પ્રતિક તસવીર

બ્રિટિશ બ્રોડકાસ્ટર બીબીસી દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરનાર હમાસને આતંકવાદી તરીકે સંબોધવાનો ઇનકાર કરનાર બીબીસી સામે અસંતોષ વ્યક્ત કરવા માટે લગભગ 250 વિરોધીઓએ તા. 16ના રોજ લંડનમાં બીબીસીના હેડ ક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

યહૂદી જૂથો દ્વારા આયોજિત આ દેખાવો દરમિયાન “હમાસ, ટેરરીસ્ટ” અને “શેમ ઓન યુ”ના નારા લગાવ્યા હતા. ઘણા લોકોએ ઇઝરાયલી ધ્વજ લહેરાવ્યો હતો તો અન્ય લોકોએ હમાસ દ્વારા અપહરણ કરાયેલ ઇઝરાયેલી બાળકોના ચિત્રો ધરાવતા પોસ્ટરો પકડ્યા હતા.

નેશનલ જ્યુઈશ એસેમ્બલીએ ટ્વિટર પર લખ્યું હતું કે “આ સમય નથી કે બીબીસી હમાસને આતંકવાદી સિવાય બીજું કંઈ કહે.”

ડીફેન્સ સેક્રેટરી ગ્રાન્ટ શૅપ્સે ગયા અઠવાડિયે કહ્યું હતું કે બીબીસીએ “કાયદા”નું પાલન કરવું જોઈએ અને હમાસને આતંકવાદી સંગઠન તરીકે ઓળખાવવું જોઈએ જેને સરકારે 2021માં પ્રતિબંધિત કર્યું છે.

બીબીસીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘’સંઘર્ષના કવરેજ માટે સાવધાનીપૂર્વક વિચારણા કરી છે. બીબીસીની એડિટોરીયલ ગાઇડલાઇન્સ સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છે અને તેના અનુસંધાનમાં અમે યોગ્ય નિષ્પક્ષતા સાથે અહેવાલ આપીએ તેની ખાતરી કરવા માટે અમારા કવરેજના તમામ પાસાઓ પર કાળજીપૂર્વક વિચારણા કરવામાં આવી છે.’’

પેલેસ્ટિનિયન તરફી જૂથોએ BBC ને નિશાન બનાવી ગયા અઠવાડિયે તેના હાઉસ હેડક્વાર્ટરને લાલ રંગ લગાવી “બીબીસીના હાથ પર લોહી” હોવાનો આરોપ મૂક્યો છે.

LEAVE A REPLY