ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગોધરા રમખાણોમાં કથીત સંડોવણી અને તેમના મુસ્લિમો તરફનના કહેવાતા દ્વેષ અંગે બીબીસી દ્વારા 17મી અને 24મી જાન્યુઆરી 2023ના રોજ રજૂ થયેલી બે પાર્ટની ડોક્યુમેન્ટરી “ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન” બાદ બીબીસી સામે દેશભરમાં જુવાળ ફાટી નીકળ્યો છે. બ્રિટનમાં ભારતીય ડાયસ્પોરાના જૂથે લંડન સ્થીત બીબીસી મુખ્યાલય અને ગ્લાસ્ગો, ન્યુ કાસલ, માન્ચેસ્ટર તથા બર્મિંગહામમાં આવેલી બીબીસીની પ્રાદેશિક કચેરીઓની બહાર રવિવારે 29મી જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે સુત્રોચ્ચારો સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ભારત, હિંદુઓ અને વડા પ્રધાન મોદી વિરુદ્ધ બીબીસીના સતત પક્ષપાત, દુષ્પ્રચાર અને તાજેતરના પક્ષપાતી અહેવાલો પર પ્રતિક્રિયા આપતા, બ્રિટિશ ભારતીય ડાયસ્પોરા દ્વારા
લંડન અને રાષ્ટ્રવ્યાપી વિરોધ તથા દેખાવો અંગે લગભગ એક સપ્તાહ પૂર્વેથી સોસ્યલ મિડીયા દ્વારા જનજાગૃતિ આણવામાં આવી હતી. જેને પગલે ભારતીય ડાયસ્પોરાના લોકો મોટી સંખ્યાં ઉપસ્થિત રહ્યા હતા. સોસ્યલ મિડીયામાં અને ભારતીય એમપીઝ તથા લોર્ડ્ઝે પણ આ અંગે વિરોધ વ્યક્ત કરી બીબીસીને યુકેમાં ડોક્યુમેન્ટ્રી “ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન”નું પ્રસારણ બંધ કરવા કહ્યું હતું. પરંતુ બીબીસીએ વિરોધને કાને ધર્યા વગર ગત મંળવારે તા. 24ના રોજ બીજી ડોક્યુમેન્ટરી પ્રદર્શીત કરી હતી.
વિરોધીઓએ લંડનના પોર્ટલેન્ડ પ્લેસમાં બીબીસી હેડક્વાર્ટર સામે “બીબીસીનો બહિષ્કાર કરો”, “બ્રિટિશ બાયસ કોર્પોરેશન” અને “બીબીસી: તમે જાહેર નાણાંને લાયક નથી” જેવા સૂત્રો વહન કરતા પ્લેકાર્ડ દર્શાવ્યા હતા. લોકોએ ભારતીય રાષ્ટ્ર ધ્વજ લહેરાવી “ભારત માતા કી જય” અને “બીબીસી શરમ કરો” જેવા સુત્રોચ્ચારો કર્યા હતા.
બીબીસી સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ અંતર્ગત બ્રિટિશ ભારતીયો લંડન, માન્ચેસ્ટર, બર્મિંગહામ, ન્યૂ કાસલ અને ગ્લાસગોમાં બીબીસીની ઓફિસો સામે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ વિરોધમાં નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને વિવિધ ધર્મોના લોકો સહિત વિવિધ પૃષ્ઠભૂમિના લોકોએ ભાગ લીધો હતો. આ વિરોધ પ્રદર્શનોને ઇનસાઇટ યુકે, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી (યુકે), ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ યુકે, નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ ટેમ્પલ્સ યુકે (એનસીએચટીયુકે), હિંદુ કાઉન્સિલ યુકે, હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB), રીચ યુકે અને ભારતીય ડાયસ્પોરા UK (IDUK), વિશ્વ હિંદુ કેન્દ્ર સાઉથોલ સહિત દેશભરમાં ભારતીય ડાયસ્પોરા સંગઠનોએ ટેકો આપ્યો હતો અને તેના કાર્યકર્તાઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
FISI UK ના જયુ શાહે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ડોક્યુમેન્ટ્રી અત્યંત પક્ષપાતી છે. ભારતીય ન્યાયતંત્રએ મોદીને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા છે. છતાં બીબીસીએ જજ અને ન્યાયતંત્ર બનવાનું નક્કી કર્યું છે. બીબીસીની આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ થવી જોઈએ અને જાહેર પ્રસારણકર્તા તરીકેની તેમની ફરજમાં નિષ્ફળતા માટે બીબીસીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પણ તપાસ થવી જોઈએ.”
લંડન ઉપરાંત અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં પણ ભારતીય સમુદાયે આ અંગે વિરોધ રેલી કાઢી બીબીસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ફ્રેમોન્ટમાં લગભગ 50 લોકોએ “બીબીસી બોગસ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન છે” એવા બેનરો સાથે “પક્ષપાતી BBC” અને “જાતિવાદી BBC” જેવા સૂત્રો પોકારતા કૂચ કરી હતી.