યુકેની સંસદના હાઉસ ઓફ લોર્ડ્સના અગ્રણી સભ્ય લોર્ડ રેમી રેન્જરે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) દ્વારા ગત મંગળવારે તા. 17ના રોજ દર્શાવવામાં આવેલી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની ડોક્યુમેન્ટરી સીરિઝ અંગે ઉગ્ર વિરોધ નોંધાવી યુકેના ઘણા શહેરોમાં બ્રિટિશ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની પહેલેથી જ તંગ પરિસ્થિતિને ઉશ્કેરવાનું ટાળવા માટે બીજા ભાગનું સ્ક્રીનિંગ બંધ કરવા વિનંતી કરી છે.
BBCના ડિરેક્ટર જનરલ ટિમ ડેવીને લખેલા પત્રમાં લોર્ડ રામી રેન્જરે જણાવ્યું હતું કે “હું 2002ના ગુજરાત રમખાણોમાં ભારતના વડા પ્રધાન મોદી માટે બીબીસી દ્વારા નિર્મિત ડોક્યુમેન્ટ્રી જોઈને ગભરાઈ ગયો છું, જેમાં માનનીય વડા પ્રધાનની સંડોવણી હોવાનું જણાવાયું છે. નિર્માતાએ આવી અસંવેદનશીલ એકતરફી ડોક્યુમેન્ટરી બનાવીને દ્રષ્ટિ, સામાન્ય સમજ અને નિર્ણયનો અભાવ દર્શાવ્યો છે. ”
રેમી રેન્જરે ફરિયાદ કરી હતી કે આ ડોક્યુમેન્ટ્રી માત્ર વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારતના બે વખત લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા પીએમનું જ નહીં, પરંતુ ન્યાયતંત્ર અને સંસદનું પણ અપમાન કરે છે, જેમણે મોદીની સખત તપાસ કર્યા બાદ તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.
રેન્જરે કહ્યું હતું કે “પાકિસ્તાન-ભારત અને યુકે ફ્રેન્ડશીપ ફોરમના અધ્યક્ષ તરીકે, અમે યુકેમાં સામાજિક સમન્વય સુધારવા માટે ભારતીય અને પાકિસ્તાની મૂળના બે બ્રિટિશ સમુદાયો વચ્ચે સેતુ બાંધવા માટે 25 વર્ષથી વધુ સમયથી કામ કર્યું છે. આ ડોક્યુમેન્ટ્રીએ બ્રિટિશ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે નફરત પેદા કરીને ભારતને અસહિષ્ણુ રાષ્ટ્ર તરીકે રંગવાનો પ્રયાસ કરીને જૂના ઘા ખોલ્યા છે. હું જ્યાં પણ હિંસા કે જાનહાનિ થાય છે તેની નિંદા કરૂ છે. પરંતુ ઉપખંડની રાજનીતિને યુકેમાં લાવીને ધાર્મિક દ્વેષને ઉત્તેજિત કરનારાઓની હું નિંદા કરૂ છું.’’
તેમણે કહ્યું હતું કે “ભારતે G20નું પ્રમુખપદ સંભાળ્યું છે અને આપણી પાસે નંબર 10 ડાઉનીંગ સ્ટ્રીટમાં ભારતીય મૂળના પ્રથમ વડા પ્રધાન છે, અને આપણે યુકે-ભારત મુક્ત-વ્યાપાર કરાર માટે કામ કરી રહ્યા છીએ ત્યારે આ સીરીઝ દર્શાવવાનો સમય અશુભ છે.”