બીબીસી સામે વિરોધ વ્યક્ત કરવા અને બીબીસીની મોદી સામેની ડોક્યુમેન્ટ્રી અંગે સ્વતંત્ર તપાસ નિમવાની માંગણી સાથે ચેન્જ ઓર્ગ પર એશ પરમારે એક પીટીશન શરૂ કરી છે. તો બીજી તરફ હિંદુ સમુદાય પરના નફરતભર્યા હુમલાઓ અને હિંદુ વિરોધી પ્રચાર અંગે તપાસ કરવા માટે સંસદીય સમિતિની રચના કરવાની માંગ સાથે કૃષ્ણ જગલાન દ્વારા યુકે પાર્લામેન્ટની વેબસાઇટ પર એક પીટીશન જાહેર કરવામાં આવી છે.
ચેન્જ ઓર્ગ પર પીટીશન શરૂ કરતા એશ પરમારે જણાવ્યું હતું કે ‘’અમે બીબીસીની બે ભાગની ડોક્યુમેન્ટ્રી “ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન”માં સંપાદકીય નિષ્પક્ષતાના ઉચ્ચતમ ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ BBCની સખત નિંદા કરીએ છીએ તેમજ અમે બીબીસી બોર્ડને જાહેર સેવા પ્રસારણકર્તા તરીકેની તેની ફરજોના આ ગંભીર ભંગની સ્વતંત્ર તપાસ કરવા અને તારણોને સંપૂર્ણ રીતે પ્રકાશિત કરવા માટે આહ્વાન કરીએ છીએ. આ ઉપરાંત અમે OFCOM ને વિનંતી કરીએ છીએ કે બીબીસીને તેના દ્વારા ટેલિકાસ્ટ કરાતી સામગ્રીના ધોરણોને સુરક્ષિત કરવામાં તેની વારંવારની નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવવામાં આવે. આ ઉપરાંત અમે OFCOM ને BBC સાથે જરૂરી સુધારાઓ અને સ્પષ્ટતાઓની ચર્ચા કરવા વિનંતી કરીએ છીએ.’’
પીટીશનમાં જણાવાયું હતું કે ‘’બીબીસીની બે-ભાગની ડોક્યુમેન્ટરી એ એજન્ડા આધારિત રિપોર્ટિંગ અને સંસ્થાકીય પૂર્વગ્રહનું બીજું ઉદાહરણ છે. આ સીરીઝનું પ્રસારણ બનાવના લગભગ 21 વર્ષ પછી કરાઇ રહ્યું છે અને તેના કહેવાતા તપાસ અહેવાલ કે નવું કંઈ નથી. પરંતુ નિર્માતાઓએ સ્પષ્ટપણે પૂર્વનિર્ધારિત નિષ્કર્ષને ફિટ કરવા માટે ફક્ત જૂના આરોપોને દર્સાવ્યા છે. ભારતની સર્વોચ્ચ અદાલતે, લાંબી તપાસ અને યોગ્ય પ્રક્રિયા પછી, વડા પ્રધાન મોદીને 2002 ના રમખાણોમાં સંડોવણીના સમાન આરોપોમાંથી સંપૂર્ણપણે મુક્ત કરી દીધા છે ત્યારે બીબીસી હવે બે દાયકા બાદ આ મામલાને ઉઠાવવા માંગે છે. અમે આ અરજી સાથે અમે બીબીસીની સખત નિંદા કરીએ છીએ અને તે તેના દર્શકોને જાણીજોઈને ખોટી માહિતી આપનાર પ્રોપેગેન્ડા પત્રકારત્વના એક ભાગ સિવાય બીજું કંઈ નથી.
પીટીશનની લિંક આ મુજબ છે. https://chng.it/q5gZnQRq