લોર્ડ ડોલર પોપટે બીબીસીના ડીરેક્ટર જનરલ ટીમ ડેવીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘’બીબીસી યુકેની વસ્તીને શિક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને સમગ્ર વિશ્વમાં માહિતીનો વિશ્વસનીય સ્ત્રોત છે. પરંતુ બીબીસી દ્વારા બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટ્રી જોઈને હું ચોંકી ગયો હતો. આ ડોક્યુમેન્ટરી ભારે એકતરફી હતી અને રમખાણો પછી પ્રગટ થયેલી ઘટનાઓની શ્રેણીને પ્રતિબિંબિત કરવામાં નિષ્ફળ ગઈ હતી. ભારતીય ન્યાયતંત્ર અને સંસદે વડા પ્રધાન મોદીની સંડોવણીને સાફ કરાઇ હતી જેના કારણે તેમને વિશ્વાસુ નેતા તરીકે ફરીથી ચૂંટવામાં મદદ મળી હતી. યુકેમાં ભારતની પરિસ્થિતિને સચોટ રીતે રજૂ કરવામાં નિષ્ફળ રહીને ધાર્મિક દ્વેષ ફેલાવવાની નિંદા કરું છું. આ ખોટી રજૂઆત બ્રિટિશ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે નફરત પેદા કરીને ભારતને એક અસહિષ્ણુ રાષ્ટ્ર તરીકે રંગવાનો પ્રયાસ કરતો જૂનો ઘા છે. મુસ્લિમો પર અત્યાચાર થયા હોત તો મુસલમાનોએ અત્યાર સુધીમાં ભારત છોડી દીધું હોત. તેનાથી વિપરિત, ભારતની મુસ્લિમ વસ્તી હવે પાકિસ્તાન કરતાં વધુ છે અને બાંગ્લાદેશમાંથી ઘણા મુસ્લિમો ભારતમાં જઈ રહ્યા છે.’’
લોર્ડ પોપટે જણાવ્યું હતું કે ‘’ભારતે આઝાદી પછી વિવિધતાના આધારે ઘણી પ્રગતિ કરી છે અને દરેકની જાતિ, ધર્મ અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના કાયદામાં સમાવિષ્ટ કર્યા છે. આપણાં ઘણા શહેરોમાં બ્રિટિશ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે પહેલેથી જ તણાવપૂર્ણ પરિસ્થિતિને ઉશ્કેરવાનું ટાળવા માટે કૃપા કરીને બીજા ભાગનું સ્ક્રીનિંગ બંધ કરવાનું વિચારો અને બીબીસીને હકીકતો તપાસવા અને રિપોર્ટિંગ સચોટ છે તેની ખાતરી કરવા માટે સમય આપો.’’