દિવંગત ઉમોદીના દ્યોગપતિ કે કે મોદીના પરિવારમાં રૂ.11,000 કરોડની સંપત્તિના મુદ્દે વિવાદ વકર્યો હતો. કે કે મોદીના નાના પુત્ર અને ગોડફ્રે ફિલિપ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સમીર મોદીએ તેમની માતા બીના મોદી પર હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવીને શુક્રવારે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સમીર મોદી આઇપીએલના ભૂતપૂર્વ ચેરમને લલિત મોદીના ભાઈ છે.
આ મુદ્દે લલિત મોદીએ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મારા ભાઈને આ હાલતમાં જોઈને દિલ તૂટી ગયું. એક માતાએ પોતાના સુરક્ષા કર્મચારી દ્વારા પુત્ર એટલો માર મરાવ્યો છે કે પુત્રનો હાથ હાથ કાયમ માટે અશક્ત બન્યો છે તે આઘાતજનક છે. તેમનો એકમાત્ર ગુનો મીટિંગમાં હાજરી આપવાનું હતું – બોર્ડના તમામ સભ્યો આ જઘન્ય અપરાધ માટે દોષિત છે.
સમીર મોદીએ તેમની ફરિયાદમાં તેમની માતાના અંગત સુરક્ષા અધિકારી (પીએસઓ) અને ગોડફ્રે ફિલિપ્સના કેટલાંક ડાયરેક્ટર્સ પર તેમને ગંભીર ઈજા પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો. બીના મોદી ગોડફ્રે ફિલિપ્સના ડાયરેક્ટર પણ છે. સિગારેટ અને કન્ફેક્શનરી મેન્યુફેક્ચરિંગ કંપની ગોડફ્રે ફિલિપ્સના બોર્ડ મેમ્બર હોવા ઉપરાંત સમીર મોદી કલરબાર કોસ્મેટિક્સ, 24/7 રિટેલ અને ડાયરેક્ટ સેલિંગ પ્લેટફોર્મ મોદીકેરના પણ વડા છે.
મોદીએ જણાવ્યું હતું કે, આ ઘટના ગુરુવારે બની હતી જ્યારે હું દિલ્હીના જસોલામાં કંપનીની નિર્ધારિત બોર્ડ મીટિંગમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીના મોદીના પીએસઓએ મને મીટિંગમાં પ્રવેશતા અટકાવ્યો હતો. જ્યારે મેં આગ્રહ કર્યો ત્યારે તેમણે મને દૂર ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે મને બોર્ડની બેઠકમાં પ્રવેશવાની મંજૂરી નથી. ગોડફ્રે ફિલિપ્સના પ્રવક્તાએ આ આક્ષેપ નકારી કાઢ્યો હતો.
સમીર મોદીએ જણાવ્યું હતું કે શેરના નિકાલ અંગેનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ હવે હું મારો હિસ્સો વેચીશ નહીં. મને બોર્ડમાંથી હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે થશે નહીં.
ગોડફ્રે ફિલિપ્સના પ્રમોટરો વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ રૂ.11,000 કરોડના વારસાનું વિભાજન છે. પરિવારના વડા કે કે મોદીનું 2019માં અવસાન થયું હતું. કે કે મોદીના ત્રણ સંતાનોમાંથી એક અને ભૂતપૂર્વ IPL બોસ લલિત મોદીના ભાઈ સમીર મોદીએ તેમની માતા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. કે કે મોદીના વારસામાં લિસ્ટેડ કંપની ગોડફ્રે ફિલિપ્સમાં પરિવારનો લગભગ 50% હિસ્સો સામેલ છે. વર્તમાન બજાર કિંમતે તેની કિંમત રૂ.5,500 કરોડ વધુ છે. મોદી પરિવાર પાસે બીજી ઘણી કંપનીઓમાં પણ શેર છે.