કોંગ્રેસના અધ્યક્ષપદ માટે 17 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં શશી થરૂર અને મલ્લિકાર્જૂન ખડગે વચ્ચે જંગ થશે. પાર્ટીના સર્વોચ્ચ પદ માટે ઉમેદવારી પત્રો ભરવાની મુદત શુક્રવારે બપોરે 3 વાગ્યે પૂરી થઈ હતી. આમ આશરે 25 વર્ષ પછી કોંગ્રેસને ગાંધી પરિવાર સિવાયના અધ્યક્ષ મળશે.
કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના ચેરમેન મધુસૂદન મિસ્ત્રી સમક્ષ થરુરે ઉમેદવારીપત્રોના પાંચ સેટ ભર્યા હતા. ઝારખંડના ભૂતપૂર્વ પ્રધાન ત્રિપાઠીએ એક સેટ ભર્યો હતો. જોકે તેમનું ઉમેદવારીપત્ર રદ થયું હતું.ખડગેએ પણ એકથી વધુ સેટ ભર્યા હતા. ખડગેને ગાંધી પરિવારનું સમર્થન હોવાનું માનવામાં આવે છે. વરિષ્ઠ નેતાઓ અશોક ગેહલોત અને દિગ્વિજય સિંહ અધ્યક્ષપદની રેસમાંથી બહાર થઈ ગયા હતા. ગેહલોતે ગુરુવારે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી, જ્યારે દિગ્વિજયે શુક્રવારની સવારે પીછેહટ કરી હતી.
ઉમેદવારીપત્ર ભર્યા બાદ થરૂરે જણાવ્યું હતું કે આ ચૂંટણી ભારતના યુવાનો અને તેમના ભાવિ અંગેની છે. તેમણે કોંગ્રેસના સંગઠના વિકેન્દ્રીયકરણ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યુવા નેતાઓ પાર્ટીને જોમવંતી બનાવી શકશે. સત્તાવાર ઉમેદવાર અંગે કેટલાંક વર્ગોમાં અટકળો થઈ રહી છે, પરંતુ ગાંધી પરિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે કોઇ ઉમેદવારનું સમર્થન કરતું નથી. ગાંધી પરિવાર કોંગ્રેસનો આધારસ્થંભ છે અને રહેશે.
ઉમેદવારીપત્ર ભર્યા બાદ ખડગેએ જણાવ્યું હતું કે હું બાળપણથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું. હું ધોરણ 8, 9માં હતો ત્યારે ગાંધી, નહેરુ વિચારસરણીનો પ્રચાર કરતો હતો. આજે મે કોંગ્રેસ અધ્યક્ષપદ માટે ઉમેદવારી કરી છે. તે ગર્વની ક્ષણ છે. ખડગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા છે. સલમાન ખુરશીદ, મનીષ તિવારી અને પૃથ્વીરાજ ચવાણ સહિતના પક્ષના વરિષ્ઠ નેતાઓએ ખડગેના નામની દરખાસ્ત કરી હતી. ઉમેદવારીપત્ર ભરતી વખતે ખડગે સાથે કોંગ્રેસના ઘણા નેતાઓ સાથે હતા અને તેઓ તેમના હરીફ થરુર અને ત્રિપાઠી કરતાં વધુ ફેવરિટ માનવામાં આવે છે.
દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે હું સવારે મલ્લિકાર્જૂન ખડગેને મળ્યો હતો. તેમણે ઉમેદવારીને પુષ્ટી આપી તે પછી મે ઉમેદવારી ન કરવાનો નિર્ણય કર્યો હતો. જો આ અંગે મને અગાઉથી ખબર હોત તો મે ઉમેદવારીપત્રો લીધા ન હોત.