દિલ્હીના બહુચર્ચિત બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે સોમવારે આરોપી આરિજ ખાનને ફાંસીની સજા અને રૂ.11 લાખ દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ દર્શાવતા આરોપીને સમાજ માટે જોખમી ગણાવ્યો હતો.
2008ના આ કેસમાં દિલ્હી પોલીસે આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીન સાથે જોડાયેલા આરિજ ખાનને મોતની સજા માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. દિલ્હી પોલિસે દલીલ કરી હતી કે આ માત્ર હત્યાનો કેસ નથી પરંતુ ન્યાયની રક્ષા કરતા કાયદાના રક્ષકની હત્યાનો કેસ છે.
વર્ષ 2008માં બાટલા હાઉસ એન્કાઉન્ટર દરમિયાન દિલ્હી સ્પેશયલ પોલિસ સેલના ઇન્સ્પેક્ટર મોહન ચંદ શર્માને આરોપીઓ દ્વારા ગોળી મારતા તેઓ શહીદ થયા હતા. આ અથડામણમાં અન્ય બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ કેસમાં જૂલાઇ 2013માં એક અદાલતે ઇન્ડિયન મુઝાહિદ્દીનના આતંકવાદી શહેઝાદ અહમદને આજીવન કેદની સજા સંભળાવી હતી. કોર્ટના આદેશને આરોપી દ્વાર હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
આરિજ ખાન વર્ષ 2008માં દિલ્હી, જયપુર, અમદાવાદ અને યુપીની અદાલતોમાં થયેલા બોંબ વિસ્ફોટનો મુખ્ય સૂત્રધાર હતો. આ વિસફોટોમાં કુલ 165 લોકોના મોત થયા હતા જ્યારે 535 લોકો ઇજા પામ્યા હતા. એ સમયે ફરાર આરિજ ખાન પર 15 લાખ રુપિયાના ઇનામની જાહેરાત કરાઇ હતી અને તેની વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિશ ઇશ્યુ કરવામાં આવી હતી. યુપીના આઝમગઢના રહેવાસી આરિજ ખાનની સ્પેશયલ સેલની ટીમે ફેબ્રુઆરી 2018માં ધરપકડ કરી હતી.
આ કેસ રાજકીય રીતે પણ વિવાદનો મુદ્દો બન્યો હતો અને તે અંગે રાજનીતિ શરુ થઇ ગઇ હતી. કેન્દ્રિય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પણ બાટલા હાઉસ કેસને લઇને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે બાટલા હાઉસ એન્કાઉન્ટરને સપા, બસપા, કોંગ્રેસ, ડાબેરી દળોએ મળીને રાષ્ટ્રીય મુદ્દો બનાવ્યો હતો. શું મત મેળવવા માટે આતંકવાદ સામેની લડાઇને આ રીતે નબળી કરવામાં આવશે?
તેમણે વધુમાં કહ્યું હતું કે તમે સલમાન ખુર્શીદે આપેલું નિવેદન સાંભળ્યું હશે કે બે આતંકીઓ માર્યા જવાના સમાચાર સાંભળીને સોનિયા ગાંધીની આંખોમાં આંસુ આવ્યા હતા. રવિશંકર પ્રસાદે કહ્યું કે મમતા બેનર્જી, સોનિયા ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત જેટલા પણ લોકોએ એન્કાઉન્ટરને ફેક ગણાવ્યું હતું. શું તેઓ હવે માફી માંગશે? સોનિયા ગાંધી હવે શું કહેશે?