- સરવર આલમ દ્વારા
કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ બેરોનેસ સઈદા વારસીએ સમુદાયોમાં નફરત અને વિભાજન તરફ દોરી જતી “ગટરની રાજનીતિ” બંધ કરવા રાજકારણીઓને હાકલ કરી છે.
શ્રીમતી વારસીએ લેબર પક્ષની વિવાદાસ્પદ જાહેરાતોની શ્રેણી દ્વારા વડા પ્રધાન ઋષિ સુનક પર લેબરના હુમલા તરફ ધ્યાન દોરતાં ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’સમસ્યા વ્યાપક છે, ઇમિગ્રેશન અને ચાઇલ્ડ ગ્રૂમિંગ પર ગૃહ સચિવ સુએલા બ્રેવરમેનના વિવાદાસ્પદ નિવેદન બાદ મેં આ અઠવાડિયાની શરૂઆતમાં લેબર પાર્ટીને કહ્યું હતું કે અમે કન્ઝર્વેટિવ્સ અગ્રણીઓ સુએલા બ્રેવરમેન સાથે ગટરમાં ઉતર્યા છીએ તેનો અર્થ એ નથી કે તમે અમારી સાથે જોડાવ. આમ કરીને આપણે રાજકીય ચર્ચાની ગુણવત્તાને ઘટાડી દઈએ છીએ. હું લેબરને રાજકીય ચર્ચાને વધારવા માટે, આ વિભાજનકારી પ્રવૃત્તીને રોકવા અને આપણા સમયની મોટી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આહ્વાન કરું છું, જેના માટે મોટા ઉકેલની જરૂર છે.”
હોમ સેક્રેટરી બ્રેવરમેન પર બળાત્કારીઓની ગૃમીંગ ગેંગનું નેટવર્ક બ્રિટિશ-પાકિસ્તાની પુરુષોથી બનેલુ હોવાનો દાવો કરીને સાઉથ એશિયાન લોકોના જીવનને જોખમમાં મૂકવાનો અને જમણેરી રેસીસ્ટ તરફ પ્રયાણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હોમ ઑફિસના અહેવાલમાં તારણ કાઢવામાં આવ્યું હતું કે મોટાભાગના બાળ લૈંગિક દુર્વ્યવહાર કરનારાઓ શ્વેત હતા.
વારસીએ જણાવ્યું હતું કે હોમ સેક્રેટરીની ટિપ્પણી અંગે વડા પ્રધાનને ડઝનેક તબીબી સંસ્થાઓ, બિઝનેસીસ અને મુસ્લિમ સમુદાયના સંગઠનો દ્વારા મોકલવામાં આવેલા પત્રોની શ્રેણી સમુદાયોની ચિંતાનો સ્પષ્ટ સંકેત રજૂ કરે છે.
આ પત્રોમાં સુનકને બ્રેવરમેનથી “પોતાને અલગ” કરવા વિનંતી કરવામાં આવી છે. તબીબી પ્રોફેશનલ્સના પત્રમાં બ્રિટિશ ભારતીયો, બ્રિટિશ કેન્યન, બ્રિટિશ ઘાનાવાસીઓ, બ્રિટિશ ઇજિપ્તવાસીઓ દ્વારા સહી થયેલ છે.
લેબર નેતા સર કેર સ્ટાર્મરની પણ શ્રેણીબદ્ધ જાહેરાતો સાથે સુનક પર હુમલો કરવાના નિર્ણય માટે ભારે ટીકા કરવામાં આવી છે. આ જાહેરાતોમાં બાળકોના જાતીય શોષણના દોષિતો, બંદૂક રાખનાર દોષિતોને જેલ સજા, કામ કરતા લોકો માટે કર વધારવાનો સુનક પર આરોપ મૂકાયો છે.
લેબરના શેડો કેબિનેટના 31 સભ્યોમાંથી 13 (અથવા 42 ટકા) એ પાર્ટીની કોઈપણ વિવાદાસ્પદ જાહેરાતો શેર કરી નથી.