જાતિય ગુના માટે બાળકોને રક્ષણ માટેની પોસ્કો કોર્ટે બુધવારે વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં સગીર બાળકી પર સામૂહિક બળાત્કાર કરનાર બંને આરોપીઓને બુધવારે આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે 14 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ કિશન માથાસુરીયા અને જશા સોલંકીને સજા ફટકારી છે. નવેમ્બર 2019માં ગેંગરેપની ઘટના બની હતી. સરકાર દ્વારા કોર્ટમાં આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી અરજી કરી હતી, જો કે, કોર્ટે અરજી ન સ્વીકારતા પોતાનો નિર્ણય યથાવત રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોક્સો કોર્ટમાં વિડીયો કોન્ફરન્સથી આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા અને તેમાં જજ આર.ટી. પંચાલ દ્વારા તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જજે વર્ચ્યુઅલ પદ્ધતિથી સુનાવણી પ્રક્રિયા હાથ ધરી ચુકાદો આપ્યો છે. જેમાં બંને આરોપીઓને આજીવન કેદની સજા કરાઈ છે. ફરિયાદ પક્ષે ફાંસીની માંગ કરી હતી પરંતુ પીડિતા જીવિત હોવાથી કોર્ટે આ માગણી ના સ્વીકારી.
28 નવેમ્બર 2019ના રોજ 14 વર્ષની છોકરી તેના મંગેતર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેઠી હતી. ત્યારે કિશન માથાસુરીયા અને જશો સોલંકી નામના શખસ ત્યાં આવ્યા હતા અને સગીરાના મંગેતરને ધમકાવીને ભગાડી દીધો હતો અને બાદમાં સગીરાને ઝાડીમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયા બાદ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી..