ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા તા. 18ને સોમવારે લંડનમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડા પ્રધાન ઋષિ સુનક સાથે અઘોષિત અનૌપચારિક બેઠક માટે પધાર્યા હતા. કલાક સુધી ચાલેલી બેઠકનો એજન્ડા જાહેર કરાયો ન હતો પરંતુ સંભવ છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની પુનઃચૂંટણી અને યુક્રેનમાં સંઘર્ષ તેમની ચર્ચાઓમાં સામેલ હશે.
ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ઓબામા ફાઉન્ડેશનના કામ માટે યુકે આવેલા બરાક ઓબામા લંડનની તેમની સફરના ભાગ રૂપે એક અનૌપચારિક સૌજન્ય મુલાકાતે પધાર્યા હતા. દેખીતી રીતે વડાપ્રધાન તેમની સાથે મુલાકાત કરીને અને ઓબામા ફાઉન્ડેશનના કામ અંગે ચર્ચા કરીને ખૂબ જ ખુશ હતા.”
62 વર્ષીય ડેમોક્રેટ ઓબામાએ શિકાગો સ્થિત ઓબામા ફાઉન્ડેશનની સ્થાપના “પ્રેરણા, સશક્તિકરણ અને લોકોને તેમની દુનિયા બદલવા માટે જોડવા”ના હેતુ સાથે કરી હતી.
માનવામાં આવે છે કે ઓબામા અને સુનક વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી અને તેમને એક કલાક પછી યુ.કે. સ્થિત યુએસ એમ્બેસેડર જેન હાર્ટલી સાથે ડાઉનિંગ સ્ટ્રીટ છોડતા જોવામાં આવ્યા હતા. યુએસ પ્રમુખ તરીકે 2009થી 2017 દરમિયાન બે ટર્મ માટે કાર્યકાળ સંભાળનાર ઓબામાની વ્હાઇટ હાઉસ છોડ્યા પછીની ડાઉનિંગ સ્ટ્રીટની પ્રથમ મુલાકાત હતી.