વિશ્વભરમાં કોરોના વાઈરસના રોગચાળાના ઝડપભેર વધી રહેલા ફેલાવા અને તેના પગલે લોકોના સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ અસરો સામે તકેદારીના પગલાંરૂપે જાહેર આરોગ્ય સંસ્થાઓએ બહાર પાડેલી માર્ગદર્શિકાઓને અનુસરતાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ અમેરિકા, કેનેડા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં આવેલા તમામના મંદિરો બંધ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા હાથ ધરાતી તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ – મિલન સમારંભો કે વિભિન્ન ઉજવણીઓ પણ અચોક્કસ મુદત સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
સ્થાનિક સમુદાય, શ્રદ્ધાળુ, દર્શનાર્થીઓ સ્વયંસેવકોના આરોગ્યની જાળવણી અને તકેદારીરૂપ પગલાં આવશ્યક હોવાથી મંદિરે દર્શન, પૂજાપાઠનો લાભ નહીં મળે પરંતુ બાપ્સ દ્વારા ભક્તો અને હિંદુઓને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડવા ઉપરાંત ઓનલાઇન માધ્યમથી આબાલવૃદ્ધ સૌ કોઇને સૂચનાત્મક માર્ગદર્શન તથા સાપ્તાહિક મેળાવડા ઓનલાઇન સ્પરૂપે ચાલુ રહેશે.
ન્યૂજર્સીના પ્રિન્સટનમાં રીટેલર એસોસીયેટ ભાવિ મોદીએ જણાવ્યું હતું કે, બાળકોને સાપ્તાહિક, ધાર્મિક માર્ગદર્શન તથા ગુજરાતી મિલન સમારોહ હવે રવિવારે સાંજે ઓનલાઇન થશે. આધ્યાત્મિક માર્ગદર્શન માટે ઓનલાઈન વેબકાસ્ટનું માધ્યમ ઉપયોગી નીવડશે.
મોટી સંખ્યામાં લોકોનું ભેગા થવાનું નિવારવા અમેરિકા, યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં બાપ્સનાં મંદિરો બંધ રહેશે પરંતુ પ્રત્યેક મંદિરની વેબસાઇટ ઉપર દૈનિક દર્શન ચાલુ રહેશે. જ્યોર્જીયા એટલાન્ટાના કાર્ડિઓલોજીસ્ટ ડો. કશ્યપ પટેલે જણાવ્યું હતું કે, સત્સંગ સામાજિક ઢાંચામાં થાય પરંતુ અપવાદરૂપ સંજોગોમાં વૈકલ્પિક માર્ગો અપનાવવા રહ્યા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને સમસ્ત સંત સમાજ દ્વારા પરિવાર અને પારિવારિક સંવાદના મહત્ત્વ ઉપર ભાર મૂકાયેલો છે. સૌ કોઇને એકસૂત્રે જોડવામાં આધ્યાત્મિકતા અસરકારક માધ્યમ છે.