અબુ ધામીમાં આકાર લઈ રહેલા BAPSના ભવ્ય હિન્દુ મંદિરનું 3D મોડલ દુબઈ એક્સપો 2020ના ઇન્ડિયન પેવેલિયનમાં દર્શાવવામાં આવ્યું છે. ભારતના વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે આ 3D ટ્રાન્સલ્યુસન્ટ ક્રિસ્ટલિન મોડલનું ડિજિટલી નિરીક્ષણ કર્યું હતું અને તેનાથી પ્રભાવિત હતા. અબુ ધાબીમાં આ પ્રથમ હિન્દુ મંદિર હશે.
આ થ્રીડી મોડલની ચકાસણી કર્યા બાદ ગોયલે જણાવ્યું હતું કે “અબુ ધાબીમાં આ BAPS હિન્દુ મંદિર નિર્માણ પરિપૂર્ણ થયા બાદ અદભૂત હશે.” તેમણે આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ક્યારે પુરું થશે તે અંગે પણ પૂછપરછ કરી હતી. ગોયલે શુક્રવારે આ એક્સપોમાં ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈ ઓપેરા હાઉસમાંથી વીડિયો કોન્ફરન્સ મારફત બોચાસણવાસી શ્રીઅક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થાના આ સ્વામીનારાણ મંદિરની ફેબ્રુઆરી 2018માં શિલારોપણ વિધી કરી હતી. તે સમયે વડાપ્રધાને ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોને સંબોધન પણ કર્યું હતું.
આ ભવ્ય BAPS મંદિરના નિર્માણકાર્યનો પ્રારંભ ડિસેમ્બર 2019માં થયો હતો. હાલમાં 15 ફૂટની ઊંચાઈ સુધી નિર્માણ થયું છે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ સાત શિખર અને પાંચ અલંકૃત ગુંબજ સાથે આ મંદિર એક અજાયબી બનશે. મંદિર યુએઇ અને વિશ્વભરના ભક્તો માટે એક તીર્થસ્થાન બનશે.
ગોયલે જણાવ્યું હતું કે નિર્માણ કાર્ય પરિપૂર્ણ થયા બાદ આ મંદિર યુએઇની એક શ્રેષ્ઠ વિશેષતા બનશે.
દુબઈ ખાતેના એક્સપોમાં ઇન્ડિયન પેવેલિયનમાં ભારતના વિવિધ રાજ્યો અને કંપનીઓની ઝાંખી છે અને પેવેલિયનના અંતિમ ભાગમાં ભારતના સૌથી વધુ પ્રખ્યાત ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોના પેનોરેમિક સેગમેન્ટની ઝાંખી છે. તેમાં રેડ ફોર્ટ, ગ્વાલિયરનો કિલ્લો, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, વારાણસી ઘાટ, તાંજોરનું મંદિર, સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર સહિતના ભારતની મુલાકાત દરમિયાન જોવાની અપેક્ષા હોય તેવા બીજા હેરિટેજ સ્થળો અને ભવ્ય ઇમારતોનો સમાવેશ થાય છે.
પીયૂષ ગોયલ ઉપરાંત ઇન્ડિયન પેવેલિયનની મુલાકાત લેનારા ભારતના મહાનુભાવો અને અગ્રણી બિઝનેસમેનમાં બ્રિટન સ્થિત સ્ટીલ માંધાતા લક્ષ્મી મિત્તલ, વેદાંત રિસોર્સિસના ચેરમેન અનિલ અગ્રવાલ તથા અદાણી ગ્રૂપના વિનોદ અદાણી અને કરણ અદાણીનો સમાવેશ થાય છે.