ભારત બહારના સૌ પ્રથમ પારંપરિક શિખરબંધ હિન્દુ મંદિર BAPS સ્વામિનારાયણ મંદિર, નીસડનની રજત જયંતીની ઉજવણી થઇ રહી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, વડાપ્રધાન બોરીસ જ્હોન્સન, પ્રિન્સ ચાર્લ્સ અને લંડનના મેયર સાદીક ખાને સોશ્યલ મિડીયા દ્વારા વધાઇ આપી મંદિર અને તેની સેવા કામગીરીની પ્રસંશા કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ મંદિરની મુલાકાતનાં સોનેરી સંસ્મરણો અંગે ગુરૂવારે ટ્વીટર સંદેશામાં જણાવ્યું હતું કે “નીસડન મંદિર તેની રજત જયંતિ મનાવે છે. મંદિર અનેક સમુદાયોની સેવા કરવામાં અગ્રેસર રહ્યું છે. તે લોકોને એક સાથે લાવ્યું છે અને માનવતા માટે કાર્ય કરવા પ્રેરણા આપી છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે મને મંદિરની મુલાકાત લેવાનું સન્માન મળ્યું હતું. કોરોનાવાયરસ લોકડાઉન પ્રતિબંધોને કારણે મંદિરમાં યોજાયેલા રજત જયંતિ મહોત્સવમાં વિશ્વ શાંતિ મહાપૂજા સાથે આ સપ્તાહના અંતમાં સંગીતની શ્રદ્ધાંજલિ અને પ્રાર્થના શામેલ છે.’’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટ બાદ @NeasdenTemple દ્વારા ટ્વિટર પર પ્રત્યુત્તર પાઠવી જણાવવામાં આવ્યું હતું કે ‘’વડા પ્રધાન મોદી, આ શુભ દિવસે અમને યાદ કરવા બદલ આપનો આભાર’’
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું કે ‘’વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૦૩માં લંડન સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને તે સમયના સંસ્મરણોને પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા મંદિરની રજત જયંતીને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી છે. તે સમયે મંદિરના મુખ્ય સંત અને કોઠારી પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીએ સંપૂર્ણ મંદિર, તેની વિશેષતાઓ અને મંદિરની યુકે અને યુરોપમાં ફેલાયેલી કામગીરીથી નરેન્દ્ર મોદીને માહિતગાર કર્યા હતા.’’
BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ. પૂ. મહંતસ્વામી મહારાજે મંદિરની રજત જયંતી નિમિત્તે વિશ્વભરમાંથી કોરોના મહામારીમાંથી સૌને વહેલાસર મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ઇન્સ્ટાગ્રામ પર નીસડન મંદિરને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે ‘‘હું નીસડન મંદિરને સીલ્વર જ્યુબીલી પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા. આ મંદિર ગૌરવપૂર્ણ બ્રિટિશ સીમાચિહ્ન સમાન છે અને હિન્દુ સમુદાય દ્વારા યુ.કે.ને અપાયેલી મહાન ભેટમાંથી તે એક છે.’’ તેમણે ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી.
ઉપાસના, શિક્ષણ, ઉજવણી, શાંતિ અને સમુદાયીક સેવાની ભૂમિકાને પ્રતિબિંબિત કરતા આ મંદિર અંગે 71 વર્ષના પ્રિન્સ ઑફ વેલ્સ, પ્રિન્સ ચાર્લ્સે નોર્થ લંડનમાં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની 25 મી વર્ષગાંઠ નિમિત્તે ગુરૂવારે એક ખાસ વિડિઓ સંદેશો જાહેર કર્યો હતો.
પ્રિન્સ ઓફ વેલ્સ શ્રી ચાર્લ્સે રજત જયંતી પ્રસંગે વિશેષ શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે ‘‘પૂજ્ય મહંત સ્વામી અને સંતો સહુને જય સ્વામિનારાયણ. નીસડનના આ મંદિરની ૨૫મી રજત જયંતી નિમિત્તે શુભેચ્છા પાઠવતાં હું ખૂબ આનંદ અનુભવી રહ્યો છું. આ મંદિરમાં હોળી, દિવાળી જેવા તહેવારોની ઉજવણી પ્રસંગે મને ચાર વખત ઉપસ્થિત રહેવાનો લાભ મળ્યો છે. જેમાં બે વખત તો મારી પત્ની સાથે અહીં આવ્યો હતો. ત્રણ વર્ષના ટૂંકાગાળામાં આવું ભવ્ય આધ્યાત્મિક સંદેશો આપતું મંદિર તૈયાર થઈ ગયું તેનાથી હું પ્રભાવિત થયો હતો. મંદિરના સ્થાપક પૂજ્ય પ્રમુખસ્વામી સાથે 1997માં મારી મુલાકાત થઈ હતી. તેઓનો સાદગીપૂર્ણ, સરળ સ્વભાવ અને માનવતા પ્રત્યેની તીવ્ર લાગણીએ મને પ્રભાવિત કર્યો હતો. ૨૫ વર્ષથી આ મંદિર દ્વારા થઈ રહેલી સામાજિક પ્રવૃત્તિઓ આવકારદાયક છે. આજે સમગ્ર વિશ્વ કોવિડ-19ની મહામારીનો ભોગ બન્યું છે ત્યારે BAPS સંસ્થા અને તેના સ્વયંસેવકો જે સેવાકાર્ય કરી રહ્યાં છે તે ભારતીય સંસ્કારોને આભારી છે. માનવતા માટેના પ્રમુખસ્વામીના આદર્શોને આગળ ધપાવવામાં હજારો લોકો જોડાયા છે. તેમને અભિનંદન સાથે આ જયંતીની ઉજવણી માટે શુભેચ્છા પાઠવું છું.’’
તેમણે જણાવ્યું હતું કે “મોટી સંખ્યામાં BAPS સ્વયંસેવકો સહિતનો હિન્દુ સમુદાય જરૂરિયાતમંદ લોકોના સમર્થન અને સેવામાં એટલા સક્રિય છે અને હજારો ગરમ ભોજન અને વૃદ્ધોને સહાય પ્રદાન કર્યા છે તે વિશે મને ખૂબ ગર્વ થાય છે. આ મંદિરની ખૂબ જ સુંદરતા અને કારીગરીથી હું અચંબિત થયો છું.”
લંડનના મેયર સાદીક ખાને નીસડન મંદિરની ઉજવણી પ્રસંગે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે ‘‘આજે આપણે નીસડન મંદિરની 25મી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છીએ. આ મંદિર ન કેવળ આપણા હિન્દુ સમુદાયની સેવા કરે છે, પરંતુ અસંખ્ય જુદા-જુદા ક્ષેત્રોને સાથે લાવે છે – વિવિધતામાં એકતા-શક્તિનું એક શક્તિશાળી પ્રતીક છે.’’
આ મંદિરનુ નિર્માણ વિશ્વવંદનીય પ.પૂ. પ્રમુખસ્વામીની નિશ્રામાં થયું હતું અને જુલાઈ 1991માં આ મંદિરે આકાર લેવાનું શરૂ કર્યું હતું અને થયું 25 વર્ષ પહેલા ઓગસ્ટ માસમાં મુલાકાતીઓ માટે તેના દરવાજા ખોલ્યા હતા. અનેક વિશેષતાઓ ધરાવતા નીસડન મંદિરને વર્ષ-૨૦૦૦માં ગિનિઝ બુક વર્લ્ડ રેકોર્ડમાં ‘ભારત બહારના સૌથી મોટા હિંદુ મંદિર’ તરીકે માન્યતા આપવામાં આવી હતી.
આ મંદિર માટે 2,828 ટન બલ્ગેરિયન લાઇમસ્ટોન અને 2,000 ટન ઇટાલિયન કરારા માર્બલ ભારત મોકલવામાં આવ્યો હતો. 1500 શિલ્પકારોની ટીમે તેના પર નકશીકામ કર્યા બાદ તેને યુકે લાવી 3,000થી વધુ સ્વયંસેવકો, આકર્ટેક્ટ, ઇજનેરોની ટીમે તેને જોડીને મંદિરનું આખરી રૂપ આપ્યું હતું.
ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં આવેલા આઠ વર્કશોપમાં કામ કરતા લગભગ 169 કારીગરોએ હવેલી-શૈલીની રચના માટે જટિલ હસ્ત કોતરણીમાં સામેલ થયા હતા.
વેદોમાં મૂળ અને સમાજની સેવા માટે સમર્પિત વિશ્વવ્યાપી હિન્દુ સંગઠન BAPS સ્વામિનારાયણ સંસ્થાનું મંદિર પ્રાચીન, સચોટ અને વાસ્તુ શાસ્ત્ર અથવા સ્થપત્ય વેદ પર આધારિત છે અને આધુનિક બ્રિટીશ બિલ્ડિંગના નિયમોને પણ સંતોષે છે.
આ મંદિરને ‘બેસ્ટ એન્વાર્યમેન્ટલ બિલ્ડિંગ’નો એવોર્ડ અને ‘મોસ્ટ એન્ટરપ્રાઇઝિંગ બિલ્ડિંગ’ તરીકેનો એવોર્ડ મળ્યો છે. વિશ્વવિખ્યાત મેગેઝિન દ્વારા આ મંદિરની ગણના ‘સેવન વન્ડર્સ ઓફ લંડન’ તરીકે કરવામાં આવી છે. 2012 લંડન ઓલિમ્પિકસ વખતે ‘ઓલિમ્પિક સોવેનિયર મેડલ’ બનાવવા માટે ઓલિમ્પિક કમિટીએ સિલેક્ટ કરેલા ઇંગ્લેન્ડના ૧૦ નામાંકિત બિલ્ડિંગ્સમાં BAPS સ્વામિનારાયણ મંદિરની પણ પસંદગી થઇ હતી. નીસડન મંદિર સ્વયંસેવકોના પ્રેમ-પરિશ્રમ, એકતા અને સેવાનું કેન્દ્ર બની ચૂક્યું છે.
વર્ષો દરમિયાન તેણે વિશ્વના અનેક મહાનુભાવોને આવકાર્યા છે. જેમાં છેલ્લે યુકેના વડા પ્રધાન બોરીસ જ્હોન્સને ડિસેમ્બર 2019માં ચૂંટણી પૂર્વે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે મુલાકાત લીધી હતી. આ ઉપરાંત યુકેના છેલ્લા 25 વર્ષ દરમિયાન થઇ ગયેલા મોટાભાગના વડાપ્રધાનો, વિવિધ રાષ્ટ્રના વડાઓ અને શાહી પરિવારોએ મુલાકાત લીધી છે.
મંદિરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મહાપૂજા દરમિયાન હજારો વર્ષ જૂની વૈદિક પ્રાર્થનાઓ અને મંત્રોચ્ચાર કરવાથી વિશ્વમાં શુદ્ધતા, શાંતિ અને સુમેળ થશે. મહાપૂજાના સહભાગીઓમાં માનસિક શાંતિ, સમૃદ્ધિ અને પારિવારિક સંવાદિતા પણ લાવી શકે છે. આ મહાપૂજા યુકે, યુરોપ અને વિશ્વના હજારો લોકોને વૈશ્વિક કોવિડ-19 રોગચાળાથી પ્રભાવિત લોકો માટે પ્રાર્થના કરવાની તક પૂરી પાડશે.