મલેશિયાના કુઆલાલુમ્પર ખાતે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ધર્મસભા-‘યુનિટી વિધિન ડાયવર્સિટી’ વિષયક કોન્ફરન્સનું આયોજન થયું હતું. જેમાં BAPS સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત સ્વામી બ્રહ્મવિહારીદાસે સનાતન હિન્દુ ધર્મ વતી યુએઈ અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કોન્ફરન્સમાં વિશ્વના 2000થી વધુ ધર્મ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મલેશિયાના વડાપ્રધાન દાતુક અનવર ઇબ્રાહીમ અને મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ મહોમ્મદ અબ્દુલકરીમ અલ ઇસા દ્વારા સંયુક્ત રીતે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

બ્રહ્મવિહારીદાસ સ્વામીએ પોતાના 10 મિનિટના સંબોધનમાં જણાવ્યું હતું કે, “હું માનું છું કે આ પ્રથમ એવી સૌથી મોટી આંતરવિચારધારાના પ્રતિનિધિઓને એક મંચ પર લાવતી કોન્ફરન્સ છે, જે વિશ્વ પર ઊંડી અસર ઊભી કરશે. તેનાથી આપણે એક નવો માર્ગ શોધીશું, નવો માર્ગ બનાવવા માટે આપણે આપણા જીવનનું બલિદાન આપવું પડે છે. એવી જ રીતે જે રીતે પ્રભુ જીસસે ખ્રિસ્તિ ધર્મ માટે અને પયગંબર મહોમ્મદે ઇસ્લામની રચના માટે, એવી જ રીતે ભગવાન રામ, કૃષ્ણ અને ભગવાન સ્વામીનારાયણે નવો માર્ગ કંડારીને હિન્દુ ધર્મની રચના કરી હતી. અહીં ઉપસ્થિત દરેક ધર્મ પ્રતિનિધિને હું કહેવા ઇચ્છુ છું કે આપણે આપણા શબ્દો નહીં પણ કર્મથી લોકો માટે આદર્શ બનવાની જરૂર છે. ઇશ્વર આપણા પર ત્યારે જ ખુશ થશે જ્યારે આપણે આ વિશ્વમાં સમાનતા અને એકતા પ્રસ્થાપિત કરીશું. આપણે ભેદભાવ કરીને વિશ્વને તોડી શકીએ એટલે તેમણે પોતાના જીવનના બલિદાન નથી આપ્યા પરંતુ આપણે એકતાથી વિકસી શકીએ એટલા માટે આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે. ત્યારે આપણી દરેકની પવિત્ર જવાબદારી છે કે, આપણે આપણા સમાજને કદી ન તૂટે એવી એકતા અને સમાનતા તરફ આગળ લઈ જવાનો છે જે વિશ્વશાંતિનો સ્ત્રોત બની રહે.”
સનાતન હિન્દુ ધર્મ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, “હિન્દુવાદમાં અમે શીખ્યા છીએ, વસુધૈવ કુટુમ્બકમ – સમગ્ર વિશ્વ એક પરિવાર છે. અમે એવું પણ શીખ્યા છીએ કે સમગ્ર વિશ્વ એક માળો છે જેમાં વિવિધ પ્રકારની પાંખો અને પીંછાવાળા પક્ષીઓ રહે છે, આપણા રંગ અને અવાજ ભલે અલગ હોય પરંતુ આપણે સહઅસ્તિત્વમાં ટકી રહેવામાં અને વિકસવામાં માનીએ છીએ. આમ આ એક માળો આપણું વિશ્વ છે.”
“આપણે દરેક વિચારધારાનો સ્વીકાર અને સન્માન કરવું જોઈએ. દરેક દીશામાંથી ઉમદા વિચારો આપણા તરફ આવવા દો. હું માનું છું કે દરેક સંસ્કૃતિ અને ધર્મ આ જ પ્રકારનાં આદર્શો અને વિચારધારાઓ પર બનેલો છે, જે આપણને દરેકને આ વિશ્વમાં ટકાવી શકે છે. હવે આપણી જવાબદારી છે કે આપણે લોકો સુધી એ આદર્શો પહોંચાડીએ.”
આ સાથે તેમણે પ્રમુખસ્વામી મહારાજનું ઉદાહરણ આપતાં કહ્યું કે, “પ્રમુખ સ્વામી મહારાજે 2000માં યુએનમાં યોજાયેલ ધાર્મિક સંમેલનમાં એક વાત કહી હતી કે, દરેક ધર્મનેતાઓના ત્રણ સંવાદ હોવા જોઈએ – એક, આપણી આસપાસના લોકો સાથે, આપણા અનુયાયીઓ સાથે અને ત્રીજું આપણી જાત સાથે. આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે, આપણે આપણા અનુયાયીઓને જે જીવન જીવવાનું શીખવીએ છીએ, એ જ જીવન આપણે જીતીએ છીએ? એ જ શીખ આપણે જાતે અનુભવીએ છીએ? ત્યારે વિવિધતામાં એકતા જરૂરી છે. જો આપણે એક સાથે આવીશું તો આ બ્રહ્માંડ એક સાથે આવશે અને વિશ્વ બદલાશે.”

LEAVE A REPLY