અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પવિત્ર પંચધાતુની મૂર્તિના મૂર્તિપ્રતિષ્ઠા (અભિષેક) સમારોહના સ્મરણાર્થે બે દિવસીય ઉત્સવની શાનદાર ઉજવણી તા. 30-31 ઑક્ટોબર 2020ના રોજ યુકે અને વિશ્વભરમાં કરવામાં આવી હતી.
ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા અને અક્ષર-પુરુષોત્તમ દર્શનના શાશ્વત વૈદિક દર્શનનો પ્રચાર કર્યો, આમ સર્વ આત્માઓ માટે શાશ્વત સુખ અને મુક્તિનો માર્ગ સ્થાપિત કર્યો. મુક્તિ તરફનો આ માર્ગ અનંતકાળ સુધી રહે તેની ખાતરી કરવા માટે, તેઓ પૃથ્વી પર અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પણ સાથે લાવ્યા. અક્ષરબ્રહ્મ ગુરૂ પરમ્પરાના સ્વરૂપે તેઓ આજે પણ હાજર છે અને વિશ્વભરમાં પૂજાય છે.
હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને જોડાવાના ચિહ્નિત ઐતિહાસિક પ્રસંગના ઑનલાઇન વેબકાસ્ટની આ શ્રેણીનો દેશ વિદેશના હજારો લોકોએ આનંદ માણ્યો હતો. ભગવાન સ્વામિનારાયણની એક નાની પંચધાતુની મૂર્તિની અગાઉ પ. પૂ. ગુણાતીતાનંદ સ્વામી દ્વારા પૂજા કરવામાં આવતી હતી અને ત્યારબાદ તેમના આધ્યાત્મિક અનુગામીઓ દ્વારા તેની પૂજા કરવામાં આવે છે.
લંડનના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતોએ તા. 30 ઑક્ટોબરની સાંજે ગુણાતીત પરંપરાનું સન્માન કરીને વિશેષ સંગીતમય ઉત્સવની શરૂઆત કરી હતી. પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી જયંતિની ઉજવણી કરતી 100મી સંગીતમય કિર્તન આરાધના શ્રેણીનો આ 55મો કિર્તન આરાધના કાર્યક્રમ હતો.
શરદ પૂર્ણિમા અને પૂ. ગુણાતીતાનંદ સ્વામીના જન્મ દિને તા. 31 ઓક્ટોબર 2020ના રોજ ભારતના નેનપુરથી પ. પૂ. મહંત સ્વામી મહારાજની હાજરીમાં મુર્તિપ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. ખાસ ઑનલાઇન મહાપૂજાથી આ કાર્યક્રમની શરૂઆત યુકેના સમય મુજબ સવારે 3 કલાકે થઇ હતી અને સમગ્ર યુકેના સૌ કોઇ સપરિવાર ભાગ લઇ શકે તે આશયે તેનું પુન:પ્રસારણ સવારે 8 વાગ્યે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ. પૂ. મહંત સ્વામી મહારાજે શુભેચ્છા પાઠવી હતી. વિશ્વભરના હજારો લોકો આ ધાર્મિક વિધિઓમાં જોડાયા હતા અને તેમના ઘરેથી આ નવપ્રતિષ્ઠીત ચલમુર્તીની આરતી કરી હતી.
અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના દિવ્ય રૂપની ઉજવણી બપોરે ભારતમાંથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિડિઓ પ્રેઝન્ટેશન તેમજ વરિષ્ઠ અને વિદ્વાન સંતોના શ્રેણીબદ્ધ પ્રવચનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પૂ. સંતોએ પ. પૂ. ગુણાતીતાનંદ સ્વામીના દૈવી જીવન અને ઉમદા કાર્યોની વિગતો આપી હતી. પ. પૂ. મહંત સ્વામી મહારાજે પણ સભાને સંબોધન કર્યું હતું અને વૈદિક અક્ષર-પુરુષોત્તમ દર્શનના આધ્યાત્મિક મહત્વ વિષે સમજ આપી હતી.