આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત નીસડન મંદિરના સર્જક અને વિશ્વના મહાન આધ્યાત્મિક નેતાઓમાંના એક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર પરિવાર માટે રંગીન અને દસ-દિવસીય સાંસ્કૃતિક ઉત્સવ ‘ફેસ્ટીવલ ઓફ ઇન્સ્પીરેશન’નો પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં લંડન સ્થિત ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર સુજીત ઘોષે તા. 22ના રોજ સવારે નોર્થ વેસ્ટ લંડનના નીસડન BAPS સ્વામિનારાયણ મંદિર
ખાતે શુભારંભ કર્યો હતો. મંદિરના સંતોએ તે પહેલાં ટૂંકી વિધિ અને આરતી કરી હતી.
પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની ઊંડી અસરનું ચિત્રણ કરતાં શ્રી ઘોષે કહ્યું હતું કે “મને અહીં આવીને આનંદ થાય છે. પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના સંદેશ [સંસ્કૃતિ, સંવાદિતા અને આધ્યાત્મિકતા]ના પ્રચારની દ્રષ્ટિએ તમે જે કરી રહ્યા છો તે ખરેખર પ્રભાવશાળી છે.”
સ્થાનિક NHS અને ઇમરજન્સી સેવાઓના ફ્રન્ટલાઈન હીરોએ ‘આઈલેન્ડ ઓફ હીરોઝ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ‘આઈલેન્ડ ઓફ હીરોઝ’ બાળકોની એક એડવેન્ચર વંડરલેન્ડ છે જ્યાં મુલાકાતીઓ મ્યુઝિકલ પ્રોડક્શન્સ, થિયેટર શો, 4D અનુભવ, એસ્કેપ રૂમ, ઓબસ્ટેકલ કોર્સ તેમજ અન્ય ઇન્ટરેક્ટિવ ગેમ્સ સહિત ભવિષ્યના ‘હીરો’ બનવા માટેની પ્રવૃત્તિઓની મઝા લઇ શકે છે.
ઈંગ્લેન્ડના ચીફ ફાર્માસ્યુટિકલ ઓફિસર ડેવિડ વેબે સત્તાવાર રીતે હેલ્થ હબ ખોલ્યું હતું. જે મુલાકાતીઓને મફત આરોગ્ય જાગૃતિ અને વેલબીઇંગની સલાહ, સ્ક્રીનિંગ અને યોગ તાલીમ અને હેલ્ધી કૂકીંગ ડેમોન્સ્ટ્રેરેશન આપશે.
શ્રી વેબે તેમનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે “પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સોમી શતાબ્દી પ્રસંગે ‘ફેસ્ટીવલ ઓફ ઇન્સ્પીરેશન’ ઉત્સવની મુલાકાત લેતા અને તેનો ભાગ બનતા સંપૂર્ણ આનંદ થાય છે. આરોગ્ય અને સુખાકારીને સુધારવા માટે સમુદાય સાથે જોડાણના વ્યાપક કાર્યક્રમથી હું ખરેખર પ્રભાવિત થયો છું.”
આ પ્રસંગે ઓપન-એર ફેસ્ટિવલ સ્ટેજ પરથી રોજ બપોરે 2થી રાતના 9 સુધી વિવિધ પ્રતિષ્ઠિત અને પુરસ્કાર વિજેતા ગાયકો, ભારતીય અને પશ્ચિમી વાદ્યવાદકો, શાસ્ત્રીય નૃત્ય મંડળીઓ અને અન્ય ઘણા કલાકારો ભારતીય લોક-સંગીત અને નૃત્યનું વાઇબ્રન્ટ મિશ્રણ રજૂ કરશે. પૂ. પ્રમુખસ્વામી મહારાજ અને પૂ. મહંત સ્વામી મહારાજની દ્રષ્ટિ અને આશીર્વાદ દ્વારા તૈયાર કરાયેલા આ ઉત્કૃષ્ટ કલાત્મક પ્રદર્શનો દેશભરની પ્રતિભાશાળી યુવા ટીમો દ્વારા પૂરક બનશે.
મુલાકાતીઓ ‘ફ્લેવર્સ ઑફ ઈન્ડિયા’ ફૂડ કોર્ટમાં મોઢામાં પાણી લાવી દે તેવી પ્રાદેશિક વાનગીઓ, ભારતની શાકાહારી વાનગીઓ, ઈન્ડો-ચાઈનીઝ વાનગીઓ અને પરંપરાગત બ્રિટિશ, ઈટાલિયન અને મેક્સીકન ફેવરિટ વાનગીઓની મોજ માણી શકશે. તો ગરમ અને ઠંડી મીઠાઈઓ, સ્વીટ્સ અને પીણાંની મઝા માણવા મળશે.
કાર્યક્રમના અંતે સમી સાંજે પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની 27 ફૂટની પ્રતિષ્ઠિત મહા-મૂર્તિની સામે દૈનિક મહા-આરતી સમારોહમાં ભાગ લેવાનો લાભ પણ મળશે.
બેસ્ટ સેલિંગ ભારતીય લેખક અને લંડનમાં ધ નેહરુ સેન્ટરના ડિરેક્ટર અમીષ ત્રિપાઠી આઉટડોર સ્ટેજ પર લાઇવ મ્યુઝિક અને ડાન્સ પર્ફોર્મન્સના લોન્ચિંગ પ્રસંગે હાજર હતા, જ્યાં ભારતીય સંગીતના કેટલાક સૌથી વખણાયેલા કલાકારો નૃત્ય અને ગાયન દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનાર છે.
મુખ્ય વોલંટીયર કમલેશ પટેલે જણાવ્યું હતું કે, “હવે જ્યારે ફેસ્ટિવલ સત્તાવાર રીતે ખુલ્યો છે, ત્યારે જબરદસ્ત ઉત્સાહ સાથે વાતાવરણનું નિર્માણ થઈ રહ્યું છે. અમે દેશભરના સમુદાયોને એકસાથે લાવીએ છીએ ત્યારે જોવાલાયક સ્થળો અને સ્વાદ એક અવિસ્મરણીય અનુભવ લાવશે. અદ્ભુત એડવેન્ચર લેન્ડથી લઈને બગીચાઓમાં ફરવા સુધી, અને શાનદાર ‘ફ્લેવર્સ ઑફ ઈન્ડિયા’ ફૂડ કોર્ટ અનેરો આનંદ આપશે