બીએપીએસના પરમ પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી અને અન્ય સંતોએ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના નિર્માણકાર્ય અને ઉદ્ઘાટન સમારોહ અંગે સંયુક્ત આરબ અમિરાતના સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ પ્રધાન શેખ નાહયાન મુબારક અલ નાહયાન સાથે ચર્ચાવિચારણા કરી હતી. નાહયાને અબુ ધાબીમાં તેમના ખાનગી રોયલ મજલિસમાં BAPSના આ પ્રતિનિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. BAPSના આ પ્રતિનિમંડળ અને પ્રધાન વચ્ચેની અડધા કલાકની બેઠકમાં ભવ્ય મંદિરના નિર્માણ કાર્ય, ઉદ્ઘાટન સમારોહ અને મંદિરની વિશ્વવ્યાપી અસર પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
મંદિર નિર્માણની પ્રગતિની સમીક્ષા કરીને પ્રધાન નાહ્યાન ખૂબ પ્રભાવિત થયાં હતાં તથા મૂલ્યો, સંવાદિતા અને સાંસ્કૃતિક સંવર્ધનને પ્રોત્સાહન આપવા પર મંદિરની ઊંડી અસરને સ્વીકારી હતી.
શેખ નાહયાને ઇતિહાસ ઘડવામાં પૂજ્ય સ્વામીઓ અને સ્વયંસેવકોના નોંધપાત્ર યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ઘણા લોકો વચનો આપે છે, પરંતુ ભાગ્યે જ કોઇ વચનો પૂરા કરે છે. તમે જે વચન આપ્યું હતું તેના કરતાં તમે વધુ પ્રદાન કર્યું છે અને તમે વિશ્વને જોવાનો અભિગમ બદલી નાંખ્યો છે. પિરામિડની જેમ આ મંદિર વિશ્વની અજાયબીઓમાં સ્થાન પામશે.
અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિર સ્થાયી મૂલ્યો અને સાંસ્કૃતિક વારસોનું મૂર્ત સ્વરૂપ છે. તેનું નિર્માણ ભારત અને UAE વચ્ચેની ગાઢ મિત્રતાનો પુરાવા છે અને આંતરરાષ્ટ્રીય સંવાદિતાને પણ પ્રોત્સાહન આપે છે. પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ મંદિર માટે જમીનની ભેટ આપવા બદલ પ્રધાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે BAPS હિંદુ મંદિરનું નિર્માણ માત્ર ભારત અને UAE વચ્ચે નહીં પરંતુ વિશ્વભરના રાષ્ટ્ર વચ્ચેના સુમેળભર્યા સંબંધોને પ્રોત્સાહન આપવા માટેનું એક ઐતિહાસિક સીમાચિહ્ન છે.
પૂજય બ્રહ્મવિહારીદાસ સ્વામી અને શેખ નહયાન વચ્ચેની વાતચીત પૂજ્ય મહંત સ્વામી મહારાજના સ્મરણ સાથે સમાપ્ત થઈ હતી. તેમના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2024માં જાહેર જનતા માટે મંદિરના દ્વાર ખોલવાની યોજના છે. આ પ્રતિષ્ઠિત BAPS હિંદુ મંદિર માત્ર પૂજા સ્થળ તરીકે જ નહીં પરંતુ સાંસ્કૃતિક વારસાની દીવાદાંડી તરીકે પણ કામ કરશે તથા મૂલ્યો, સંવાદિતા અને હિંદુ પરંપરાઓની સમૃદ્ધ વારસાને પ્રોત્સાહન આપશે.