BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડન ખાતે બુધવાર 24 મેના રોજ વૈશ્વિક સ્તરે આદરણીય હિન્દુ આધ્યાત્મિક નેતા પ. પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતીમાં બ્રિટિશ એરવેઝ, ફેલિક્સ અને વિશ્વભરના પ્રતિષ્ઠિત મહેમાનો અને સંસ્થાઓના 1,400થી વધુ અગ્રણીઓના મહેમાનોના સમર્થનની કદર કરવાના ભાગરૂપે પ્રેરણાદાયી કોમ્યુનિટી ડેની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગ એકતા, સમુદાય સેવા અને આંતરધર્મ સંવાદિતાનો પુરાવો હતો અને સમી સાંજે વિશ્વભરના પ્રતિષ્ઠિત વક્તાઓ દ્વારા જીવંત પ્રદર્શન, વિડિઓઝ અને પ્રેઝન્ટેશન્સ દ્વારા વિશ્વાસ, સેવા અને વૈશ્વિક સંવાદિતાના મુખ્ય મૂલ્યોની શોધ કરવામાં આવી હતી.
બ્રિટિશ એરવેઝ (BA)ના ફ્લાઈંગ ડાયરેક્ટર કેપ્ટન જેમ્સ બાસનેટે વિવિધ માનવતાવાદી પ્રયાસોને ટેકો આપવા માટે BAPS સાથેની લાંબા સમયથી ભાગીદારી અને પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના “અન્યના આનંદમાં આપણો પોતાનો આનંદ છે” તે સિદ્ધાંત વચ્ચેના સહસંબંધને પ્રતિબિંબિત કરતાં કહ્યું હતું કે ‘’BAનું સૂત્ર છે, સેવા માટે ઉડાન ભરો. સમુદાય સાથે જોડાણ દરેક સ્તરે શક્ય છે.”
ફેલિક્સ પ્રોજેક્ટના ચીફ એક્ઝિક્યુટિવ શાર્લોટ હિલે, મંદિર સાથેના કાર્યો વિશે કહ્યું હતું કે “આવી ઇવેન્ટમાં સાથીદાર બનવું એ એક નમ્ર રીમાઇન્ડર છે કે જ્યારે સમુદાયો ભેગા થાય ત્યારે શું પ્રાપ્ત કરી શકાય છે.”
ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રાઇમરી કેરના પ્રોફેસર ક્રિસ બટલરે કોવિડ દરમિયાન મંદિર અને BAPS સંસ્થાના યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે “હું ઉમેરવા માંગુ છું કે ‘અન્યના સ્વાસ્થ્યમાં આપણું પોતાનું સ્વાસ્થ્ય છે.”
પેરિસના ઉપનગર બસી-સેન્ટ-જ્યોર્જ્સના મેયર યાન ડુબોસ્કે કહ્યું હતું કે “BAPS દ્વારા, હું વય અથવા જાતિ મુજબ પરસ્પર આદર અને સમાજની સેવા કરવાના હિંદુ ધર્મના મૂલ્યોને શિખ્યો છું. કોવિડ અને યુક્રેનમાં યુદ્ધની શરૂઆતમાં તમારા પ્રશંસનીય કાર્યો ઉદાહરણરૂપ છે.”
રોયલ મેઇલના એક્સ્ટર્નલ એફેર્સ અને પબ્લિક પોલિસીના ડાયરેક્ટર ડેવિડ ગોલ્ડે નીસ્ડન ટેમ્પલને વૈશ્વિક આર્કિટેક્ચરલ આઇકન અને વિવિધતા અને નિખાલસતાના દીવાદાંડી ગણાવી હતી.
રોયલ મેઇલના ‘ડાઇવર્સિટી એન્ડ કોમ્યુનિટી’ કોરોનેશન સ્ટેમ્પ પાછળના કલાકાર એન્ડ્રુ ડેવિડસને નીસ્ડન ટેમ્પલને દર્શાવતા સ્ટેમ્પની ડિઝાઇન અંગે કહ્યું હતું કે “વિવિધતા ધરાવતી સ્ટેમ્પ ડિઝાઇન કરવી સૌથી મુશ્કેલ હતી. મને લાગ્યું કે આ મંદિર તમારા ધર્મનું પ્રતિનિધિત્વ કરવા માટે સૌથી યોગ્ય છે.”
પ. પૂ. મહંત સ્વામી મહારાજે પૂ. યોગીજી મહારાજ અને પૂ. પ્રમુખસ્વામી મહારાજના ઉપદેશોને પ્રતિબિંબિત કરતા એકતા, શાંતિ અને સેવાના મૂલ્યો પર ભાર મૂકતા કહ્યું હતું કે “તેમણે માત્ર આ કહ્યું જ નથી; તેઓ તેમના જીવનની દરેક સેકન્ડે તેને જીવ્યા છે.”
BAPS UK અને યુરોપના વડા સ્વામી, યોગવિવેકદાસ સ્વામીએ કહ્યું હતું કે “સાથે મળીને આપણે સેતુ બનાવી શકીએ છીએ, આપણે સમજણને પ્રોત્સાહન આપી શકીએ છીએ અને વૈશ્વિક સંવાદિતાના વધુ સારા, ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરી શકીએ છીએ.”