પ. પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતીમાં નીસડન મંદિર ખાતે 19 મેના રોજ બ્રિટિશ હિંદુઓના ચેરિટી અને સામાજિક કાર્ય; બાળકો અને યુવાનોના વિકાસ; જાહેર સેવા; ધર્મ અને પૂજા તથા કલા અને સંસ્કૃતિના યોગદાનની વિશાળ શ્રેણીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યુકેમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, લોર્ડ જિતેશ ગઢિયા, ભક્તિવેદાંત મનોર, વોટફોર્ડના પ્રમુખ વિશાખા દેવી દાસી, ઈસ્કોનમાં સંચાર મંત્રી અનુત્તમા દાસ સહિત યુકેના 40થી વધુ વિવિધ હિંદુ સમુદાયના અગ્રણીઓ સહિત 1,600થી વધુ મહેમાનોએ રૂબરૂ હાજરી આપી હતી. ઘણા લોકોએ કાર્યક્રમને ઓનલાઈન માણ્યો હતો.
સનાતન હિન્દુ ધર્મના એકીકૃત સિદ્ધાંતોને સામૂહિક રીતે ઉજવવા માટે અને મહંત સ્વામી મહારાજના વિઝન “વસુધૈવ કુટુંબકમની ભાવનામાં, ચાલો વૈશ્વિક સંવાદિતાના વર્તુળ સુધી પહોંચીએ અને તેનો વિસ્તાર કરીએ”ના થીમ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉમદા દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને વિવિધ હિંદુ સંસ્થાઓના પ્રતિનિધિઓના પ્રવચનો, ભક્તિ ગીતો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરાઇ હતી.
ભારત ઇન્ક. ગ્રૂપના અધ્યક્ષ પ્રો. મનોજ લાડવા, આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલિંગ લેખક અને નેહરુ સેન્ટર, લંડનના ડિરેક્ટર અમિષ ત્રિપાઠી, BAPS સ્વામિનારાયણ સંસ્થાના સાધુ પૂ. પરમતત્વદાસ, PwC હિંદુ નેટવર્કના સ્થાપક અને નેતા અને સેવા યુકેમાં સહાયક મહાસચિવ નિલેશ સોલંકી, નેશનલ હિન્દુ સ્ટુડન્ટ ફોરમ યુકેના પ્રમુખ ભવ્ય શાહ સહિત હિન્દુ સમુદાયના પ્રતિષ્ઠિત અગ્રણીઓએ સચિત્ર હાઇલાઇટ્સ સાથે સંબોધનો કર્યા હતા.
આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલા સ્વામિનારાયણ-ભાશ્યમ અને સ્વામિનારાયણ-સિદ્ધાંત-સુધાના લેખક અને હિન્દુ ફિલોસોફીના વૈશ્વિક અગ્રણી વિદ્વાનોમાંના એક મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ મહેમાનો સાથે વાતો કરી પ. પૂ. મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ એક સમુદાય તરીકે સાથે મળીને કામ કરવાના વિઝનને મજબૂત બનાવ્યું હતું.
પ. પૂ. મહંત સ્વામી મહારાજે તેમના સંબોધનમાં મંડળને શાંતિ અને એકતા વધારવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના જીવન સૂત્ર “બીજાના આનંદમાં આપણો પોતાનો આનંદ છે” તેને માત્ર આ દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં યોગદાન આપવા માટે એક માર્ગદર્શક બળ તરીકે અપનાવવા કહ્યું હતું.
મુખ્ય સંબોધનમાં, મહામહિમ વિક્રમ દોરાઈસ્વામીએ કહ્યું હતું કે “આજે, પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં, આપણે અહીં અમારા ધર્મ જૂથોના વિવિધ ભાગોમાં સંખ્યાબંધ સમુદાયના નેતાઓ વચ્ચે બ્રિટિશ હિંદુ સમુદાયની ભૂમિકા અને સેવાઓનું સ્મરણ કરી રહ્યા છીએ. મને લાગે છે કે આ BAPS એ આપેલું એક નોંધપાત્ર યોગદાન છે. ચાલો આપણે આપણી આંતરિક એકતા શોધીએ.”
લોર્ડ ગઢિયાએ કહ્યું હતું કે, “આ ધાર્મિક સંમેલન એકતા અને સર્વસમાવેશકતાનું આવકારદાયક પ્રદર્શન છે. પૂર્વ વડા પ્રધાન કેમરન નીસડન મંદિરની મુલાકાત દરમિયાન બોલ્યા હતા કે હંમેશા ‘પ્રેરણાદાયી હિંદુ મૂલ્યો’ અને આદર્શ નાગરિક તરીકેની આપણી ભૂમિકાને પ્રકાશિત કરવી જોઇએ. આજે આપણને બધાને એકસાથે લાવીને, અને એકતાના વર્તુળને વિસ્તૃત કરવાના તેમના સ્વપ્નદ્રષ્ટા પ્રયાસ માટે, અમે પૂજ્ય મહંત સ્વામી મહારાજના કૃતજ્ઞતાના મોટા ઋણી છીએ. આપણને બધાને સાથે લાવવા માટે BAPSનો આભાર.”
ઇવેન્ટના આયોજકોમાં સામેલ સ્વયંસેવકોમાંના એક દીપન લાખાણીએ સમજાવ્યું હતું કે “આ ફળદાયી અને સમૃદ્ધ સાંજનું આયોજન કરવું એ એક વિશેષાધિકાર હતો. આ દરેક હિંદુ સમુદાય માટે માત્ર સંબંધોને ગાઢ બનાવવા માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની નિયમિત ઉજવણી માટે ઉદ્ઘાટન તરીકે સેવા આપવાનો પ્રસંગ હતો.’’
શ્રી નિલેશ સોલંકીએ સેવાનો સાર, આપણા ધર્મ, સંસ્કૃતિ અને મૂલ્યોમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે એમ કહેતા જણાવ્યું હતું કે ‘’હિન્દુ સ્વયંસેવકો દ્વારા ચલાવાતી સંસ્થાઓ ગો ધર્મિક, હિંદુ સ્વયંસેવક સંઘ, BAPS ચેરિટીઝ, સેવા ડે, હિંદુ સાહિત્ય કેન્દ્ર (HSK), હિન્દુ સપોર્ટ નેટવર્ક, જલારામ મંદિર, કલ્યાણ આશ્રમ ટ્રસ્ટ, હિંદુ મંદિર નેટવર્ક અને નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ મંદિર, સેવા યુકે અને યુરોપ પોતાની રીતે સેવા કરે છે.’’