યુકેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)એ વૈશ્વિક કોરોનાવાયરસ રોગચાળા સામે લડવા અને રોગનો ભોગ બનેલા તેમજ આઇસોલેશન ભોગવતા લોકો અને સ્થાનિક સમુદાયોને ટેકો આપવા માટે લંડન, બર્મિંગહામ સહિત દેશવ્યાપી કોમ્યુનિટી કેર પ્રોગ્રામ શરૂ કર્યો છે.
અનિશ્ચિતતાનો આ સમય વિશ્વભરમાં અભૂતપૂર્વ પડકાર અને અશાંતિ લાવ્યો છે ત્યારે બીએપીએસના આધ્યાત્મિક નેતા અને પવિત્ર મહંત સ્વામી મહારાજે તમામ સ્વયંસેવકોને તેમનો ધર્મ (ફરજ) બજાવવા સેવા કાર્યો માટે હાકલ કરી છે. બીએપીએસએ યુકેના બર્મીંગહામ સહિત આસપાસના 30થી વધુ વિસ્તારોમાં 580 કરતા વધુ સ્વયંસેવકોને જવાબદારી સોંપી છે. જેથી સ્થાનિક સમુદાયોના વૃદ્ધો અને જરૂરીયાતમંદોને સહાય કરવામાં મદદ મળી શકે. આ ‘કનેક્ટ એન્ડ કેર’ પહેલ એ સમાજના લોકોને સુનિશ્ચિત કરાવશે કે તેઓ સલામત છે અને તેમને જોઇતી તમામ મદદ ઉપલબ્ધ છે.
યુકેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્થિર અને સ્વસ્થ રહેવા વિશેની મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવી રહી છે અને વ્યક્તિઓ તેમજ વ્યવસાયોને ટેકો આપવા માટે પણ જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવી રહ્યુ છે. મંદિર દ્વારા જીવલેણ વાયરસના ઝડપથી પ્રસારને રોકવા માટે લોકોને તેમની સામૂહિક જવાબદારી વિશે શિક્ષણ આપવા અને આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ માટે અંગ્રેજી અને ગુજરાતીમાં વિડિઓઝ અને પ્રસ્તુતિઓની શ્રેણી રજૂ કરવામાં આવી છે. મંદિરના સ્વયંસેવકો દ્વારા યુકેમાં 6,700થી વધુ પરિવારોને તેમની સુખાકારી માટે પૂછપરછ અને સહાય માટે 12,300 વ્યક્તિગત ફોન કરવામાં આવ્યા છે. જેમાં બર્મિંગહામના 400 પરિવારોનો સમાવેશ થાય છે.
મંદિર દ્વારા સમુદાયના બર્મીંગહામ સહિત દેશના 1,500થી વધુ વૃદ્ધ અને સંવેદનશીલ લોકોને નિયમિત રીતે ખરીદી, દવાઓ અને જરૂરીયાતો માટે મદદ કરવામાં આવી રહી છે. આજ રીતે યુકેના તમામ બીએપીએસ મંદિરોની નજીક રહેતા સ્થાનિક સમુદાયના રહેવાસીઓને 1,500થી વધુ પત્રો લખી આ મુશ્કેલ સમયગાળા દરમિયાન ટેકો જોઇતો હોય તો આપવામાં આવશે તેમ ખાતરી આપવામાં આવી છે.
મંદિર દ્વારા લંડનમાં હેરો અને બ્રેન્ટ વિસ્તારમાં સૌથી વધુ જરૂરતમંદોને દરરોજ 530થી વધુ ‘ટિફિન’ પહોંચાડવામાં આવે છે. બીજી તરફ નવી ખુલેલી લંડનની નાઈટીંગેલ હોસ્પિટલ, બર્મિંગહામ મોસેલી હોલ અને કેન્રિક સેન્ટરની બે અર્લી ઇન્ટરવેન્શન કમ્યુનિટિ ટીમ્સ (ઇઆઇસીટી) સહિત યુકેની પાંચ અન્ય હોસ્પિટલોને ખોરાક પહોચાડવામાં આવે છે અને તેમના મહેનતુ સ્ટાફની પ્રશંસા કરતા પત્ર લખવામાં આવ્યા છે. સ્થાનિક સમુદાયના જરૂરીયાતમંદોને પહોંચાડવા માટે સ્થાનિક સખાવતી સંસ્થાઓને 70 ટનથી વધુ તાજા ફળ અને શાકભાજી તેમજ આનાજ કરિયાણાની થેલીઓ પહોંચાડવામાં આવી છે.
બીએપીએસ દ્વારા યુકેના રાષ્ટ્રીય પ્રાર્થના દિવસ પ્રસંગે તા. 22 માર્ચના રોજ નીસડન મંદિર ખાતે સંતો દ્વારા અને સાથે ભક્તો દ્વારા તેમના ઘરોમાં નીલકંઠ વર્ણી ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. નીસડન મંદિર સહિત યુકેના વિવિધ મંદિરોને 25 માર્ચે અવિરત અને નિ:સ્વાર્થ સેવા કરતા એનએચએસ કાર્યકરો માટે આદર અને કૃતજ્ઞતા દર્શાવવા વાદળી રંગના પ્રકાશથી સજાવવામાં આવ્યા હતા. મંદિરના સંતો તેમજ પોતાના ઘરે ભક્તો દ્વારા એન.એચ.એસ.નો આભાર માનવા માટેના સામૂહિક અભિવાદન કાર્યક્રમ અંતર્ગત ‘કલેપ્પ ફોર કેરર્સ’ પહેલમાં જોડાયા હતા.
મંદિર દ્વારા ઓનલાઇન આરતી, અભિષેક, પ્રાર્થના, કીર્તન, ધાર્મિક સંમેલનોના વેબકાસ્ટ સહિત ઑનલાઇન પૂજા દ્વારા દેશભરના સમુદાયના લોકોની આધ્યાત્મિક જરૂરિયાતોને પૂર્ણ કરવાનું પણ ચાલુ રાખવામાં આવ્યુ છે. ટેકનીક અને ભક્તિનું આ સંમિશ્રણ વિશ્વભરના લોકોને એકસાથે લાવી રહ્યું છે અને આ સમયના એકાંત અને સામાજિક અંતર દરમિયાન આધ્યાત્મિકતા સાથે જોડાણ ઉભુ કરે છે.
મંદિરના સ્વયંસેવક યોગેન શાહે જણાવ્યુ હતુ કે “પવિત્ર મહંત સ્વામી મહારાજે અમને આ દેશના લોકોની સેવા અને સમર્થન આપવા અને તેમની જરૂરિયાત વખતે તેમની સાથે ઉભા રહેવાની પ્રેરણા અને શક્તિ આપી છે. અમે આ રોગચાળો મંદ પડે તે માટે અને ભગવાન બધાને શક્તિ આપે તે માટે સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ.”
બીએપીએસ દ્વારા અન્ય લોકોને સમયસર આ હેતુ માટે ટેકો આપવા માટે કોરોનાવાયરસ રાહત ફંડની સ્થાપના કરવામાં આવી છે. દાન આપવા માંગતા લોકોને londonmandir.baps.org ની મુલાકાત લેવા વિનંતી કરવામાં આવી છે.