યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને ગુજરાતના પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતેના પ્રખ્યાત બીએપીએસના અક્ષરધામ મંદિરની મુલાકાલ લીધી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ યુકેના વડાપ્રધાનની સાથે આ મુલાકાતમાં જોડાયા હતા.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને વરિષ્ઠ સંત પૂજ્ય ઈશ્વરચરણ દાસ સ્વામીએ BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા તેમજ સ્વામિનારાયણ અક્ષરધામના પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનનું હિન્દુ પરંપરાગત શૈલીથી સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના સ્વાગત માટે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ, ઈંગ્લેન્ડના ભારત ખાતેના હાઇ કમિશનર એલેક્સ એલિસ તેમજ નિસડન, લંડન ખાતેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પ્રતિનિધિ સંજય કારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ (સન ૧૯૮૧થી ૧૮૩૦), અવતારો, દેવો અને ભારતના મહાન ઋષિઓની સ્મૃતિમાં 23 એકરની વિશાળ ભૂમિ પર રચાયેલા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંકુલ ‘સ્વામિનારાયણ અક્ષરધામ’નો પરિચય આપ્યો હતો. પ્રાચીન ભારતીય પરંપરાગત સ્થાપત્ય શૈલીમાં રચાયેલ ‘સ્વામિનારાયણ અક્ષરધામ’ શ્રદ્ધા, જ્ઞાન અને સંવાદિતા વગેરે હિંદુ આધ્યાત્મિક મૂલ્યોના સંદેશાઓ પ્રસારિત કરે છે. મંદિરના દર્શન કરીને ભાવવિભોર થઇ વડાપ્રધાન બોલી ઉઠ્યા હતા કે, ‘આ મંદિર તમામ મંદિરોની જનની છે. વિશ્વભરમાં રચાયેલા તમારા અદ્ભૂત મંદિરોનું ઉદ્ભવ સ્થાન છે.’
વડાપ્રધાન જોન્સને અક્ષરધામ સંકુલના મુખ્ય મંદિર તરફ પ્રયાણ કર્યું ત્યારે માર્ગમાં ભારતીય પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં સજ્જ બાળકોએ ભારતીય અને બ્રિટિશ રાષ્ટ્રધ્વજને લહેરાવીને પરંપરાગત નૃત્ય દ્વારા તેમજ ભારતીય અને બ્રિટિશ રાષ્ટ્રધ્વજ લહેરાવીને તેઓનું સ્વાગત કર્યું હતું.
અક્ષરધામના મુખ્ય મંદિર સંકુલમાં તેઓએ ભગવાન સ્વામિનારાયણની નયન રમ્ય પ્રતિમાને પુષ્પો અર્પણ કરીને આદર વ્યક્ત કર્યો હતો. મંદિરની કલા-કારીગરી તેમજ સ્થાપત્યની તેઓએ પ્રશંસા કરી હતી. પ્રેમ, શાંતિ, સહિષ્ણુતા, અહિંસા, સહ-અસ્તિત્વ અને વૈશ્વિક સંવાદિતાના સંદેશને વિશ્વભરમાં વહાવતા અક્ષરધામ મંદિરનું નિર્માણ કરવા માટે હજારો સ્વયંસેવકો અને કલાકારોને પ્રેરણા આપનાર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજ વિશે જાણીને તેઓએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે હાલ વિશ્વભરમાં આયોજિત થઈ રહેલ વિવિધ કાર્યક્રમો તેમજ આગામી ૧૫ ડીસેમ્બર ૨૦૨૨ થી ૧૩ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન ૩૦ દિવસ સુધી ભવ્યતાથી ઉજવાનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે વડાપ્રધાને શુભેચ્છાઓ પાઠવી હતી.
અક્ષરધામના પ્રદર્શન ખંડો દ્વારા પ્રસરતા શાંતિ, વૈશ્વિક સંવાદિતા, સમાજ ઉત્કર્ષ અને મૂલ્યનિષ્ઠ જીવનના સંદેશાઓની પ્રશંસા કરતાં કરતાં બ્રિટિશ વડાપ્રધાન અભિષેક ખંડમાં આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ ભગવાન સ્વામિનારાયણની તપોમય કિશોર મૂર્તિ શ્રી નીલકંઠ વર્ણી પર પવિત્ર જળનો અભિષેક કરી વિશ્વ શાંતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરી હતી.
મંદિર મુલાકાતના અનુભવનું વર્ણન કરતા બ્રિટિશ વડાપ્રધાને જણાવ્યું હતું કે, ‘બીએપીએસ મંદિરની પ્રત્યેક મુલાકાત મને મારા ઉર્ધ્વગમન થયાનો તેમજ પ્રગાઢ આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે. આપના નિઃસ્વાર્થ કાર્યો, મૂલ્યો અને સૌજન્ય વિશ્વ સમસ્તના વિકાસમાં અદ્ભૂત પ્રદાન કરી રહ્યા છે.’