વૈશ્વિક સ્તરે ફેલાયેલા આધ્યાત્મિક અને માનતાવાદી સંગઠન BAPS સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના અમેરિકા સહિતના દેશોમાં રહેલા સ્વયંસેવકોએ યુદ્ધગ્રસ્ત યુક્રેનના સેંકડો શરણાર્થીઓને મદદ કરવા માટે મોટું સેવાકાર્ય ચાલુ કર્યું છે. વોશિંગ્ટન ખાતેના એક ઇન્ડિયન અમેરિકન ફાઉન્ડેશનને ઘાયલ થયેલા નાગરિકોની સારવાર માટે 1 મિલિયન ડોલરની વૂન્ડ કેર પ્રોડક્ટ્સનું દાન કર્યું છે.
સંસ્થા દ્વારા પોલેન્ડના શહેર રેઝેસઝોવ ખાતે મોબાઇલ ફિલ્ડ કિચન ઊભું કરવામાં આવ્યું છે, જેમાં તમામ ધર્મ અને દેશના શરણાર્થીઓને દૈનિક 1,000 હોટ વેજિટેરિયન ભોજન આપવામાં આવે છે. વોશિંગ્ટનથી સંસ્થા દ્વારા જારી કરવામાં આવેલી મીડિયા રીલિઝમાં જણાવાયું છે કે BAPS રહેવાની સુવિધાનું આયોજન કરી રહી છે અને મેડિકલ સહાયમાં સંકલન કરે છે. સંસ્થા ભારત સરકાર અને સ્થાનિક ભાગીદારો સાથે મળીને આ સેવાકાર્ય કરી રહી છે. ન્યૂ જર્સીના રોબિન્સવિલેથી સ્વયંસેવકો પોલેન્ડના રેઝેસઝોવ અને બુડોમીર્ઝ શહેરમાં પહોંચ્યા છે અને ત્યાં માનવીય સહાયના વિતરણમાં તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને યુક્રેનના શરણાર્થીને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં મદદ કરી રહ્યાં છે.
અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનથી ભારતના નાગરિકોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવાના સરકારના પ્રયાસોમાં મદદ કરવા BAPSની મદદ માગી હતી. રોબિન્સવિલે માં બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરના મુખ્ય સ્વામી પરમ પૂજ્ય નિલકંઠ સેવાદાસ સ્વામીએ જણાવ્યું હતું કે તેઓ યુક્રેન ખાતેના સમુદાયના સ્થાનિક સભ્યો સાથે સેવાકાર્ય કરી રહ્યાં છે અને તેમના સ્વયંવકોની ટૂકડીઓ જરૂરી માનવીય સહાય મોકલવા પોલેન્ડમાં કામગીરી કરી રહી છે. પેરિસથી આવેલા BAPS સ્વયંસેવક શૈલેષ ભાવસારે શરણાર્થી કેમ્પની માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ કેમ્પમાં આવે ત્યારે અમે તેમનું રજિસ્ટ્રેશન કરીએ છીએ તથા ભોજન, રહેઠાણ અને આરામની વ્યવસ્થા કરીએ છીએ. આ પછી તેમને સ્વદેશ જવાની ફ્લાઇટ પકડવા માટે એરપોર્ટ મોકલવામાં આવે છે.મેરિલેન્ડ સ્થિત બાયો ફાર્મા કંપની હ્યુમન બાયોસાયન્સિસે મનોજ એન્ડ રિતુ જૈન ફાઉન્ડેશનની ભાગીદારીમાં વોરઝોનમાં નાગરિકોમ માટે અર્જન્ટ વૂન્ડ કેર પ્રોડક્ટ્સ મોકલી છે.