કોરોનાવાયરસના કારણે ઘણી બધી અડચણો હોવા છતાં ખૂબ જ સુંદર આયોજનો અને ટેક્નલોજીની મદદ દ્વારા યુરોપમાં પ્રથમ પરંપરાગત શિખરબંધ હિન્દુ મંદિર એવા નોર્થ વેસ્ટ લંડનના નીસડન સ્થિત શ્રી BAPS સ્વામિનારાયણ મંદિરની રજત જયંતિની શાનદાર ઉજવણી સંપન્ન થઇ હતી.
20 ઓગસ્ટ 1995ના રોજ પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનનું ઉદ્ઘાટન કર્યું હતું અને હજારો સત્સંગીઓ અને શુભેચ્છકોના વર્ષોના બલિદાન અને ભક્તિને તે અર્પણ કરાયું છે.
‘નીસડન ટેમ્પલ’ તરીકે જાણીતું આ મંદિર છેલ્લા 25 વર્ષથી આસ્થા, સુમેળ અને સમુદાયીક સેવા આપી રહ્યું છે. આ મહત્વપૂર્ણ પ્રસંગની 25મી વર્ષગાંઠ નિમિત્તે, દરેક વ્યક્તિ ભક્તિભાવ અને આનંદપૂર્વક ઉજવણી કરી શકે તે માટે પ્રેરણાદાયક અને ભક્તિ પ્રસંગોનું શ્રેણીબદ્ધ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ અને બાળકો માટેના વિશેષ કાર્યક્રમો તેમજ પ્રમુખ સ્વામી મહારાજના જીવનને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમોનો સમાવેશ કરાયો હતો.
આ ઉજવણીની મુખ્ય વિશેષતા વૈશ્વિક ઑનલાઇન વિશ્વ શાંતિ મહાપૂજા હતી. કુટુંબની સંવાદિતા અને વિશ્વ શાંતિ માટેનો એક અનન્ય ઑનલાઇન વૈદિક સમારોહ તા. 22 ઑગસ્ટને શનિવારે સંસ્થાના આધ્યાત્મિક ગુરૂ પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયો હતો. લંડનના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતેના કોઠારી સ્વામી પૂ. યોગ વિવેક સ્વામી અને અન્ય નિવાસી સંતો દ્વારા આ મહાપૂજા કરવામાં આવી હતી. પૂ. મહંત સ્વામી મહારાજ લાઇવ વિડિઓ લિંક દ્વારા, ભારતના નેનપુરથી પ્રારંભિક વિધિમાં જોડાયા હતા.
આ મહાપૂજાનું જીવંત પ્રસારણ યુટ્યુબ અને મંદિરની વાબસાઇટ પરથી કરવામાં આવ્યું હતું. જેમાં મહાપૂજાના વિવિધ ઘટકો અને ધાર્મિક વિધિઓની સવિસ્તર અને સમજ પડે તેવી માહિતી અંગ્રેજી અને ગુજરાતીમાં વર્ણવવામાં આવી હતી. બીજી તરફ મહાપૂજા માટે જરૂરી પ્રસાદ સહિત, પૂજાનો સામાન, આરસની અક્ષર પુરૂષોત્તમ ભગવાનની પ્રતિક સમાન આરસની સોપારીઓ અને અન્ય જરૂરી પૂજા સામગ્રી અગાઉથી જ નામ નોંધાવનાર સૌના ઘરે સ્વયંસેવકો દ્વારા પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત તે પેકેજમાં સમગ્ર મહાપૂજા માટે જરૂરી વાસણો, કુંભ અને અન્ય વિગતોનું લેખિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેને કારણે સેંકડો પરિવારોને આ મહાપૂજા યોગ્ય રીતે કરવામાં મદદ થઇ હતી.
વિવિધ 33 દેશોના 30,000 લોકોએ પોતાના ઘરેથી ખૂબ જ સરસ રીતે આ આ વિશેષ પૂજા – કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ મહાપૂજાએ દરેકને વૈશ્વિક કોવિડ-19 રોગચાળાથી અસરગ્રસ્ત લોકો માટે પ્રાર્થના કરવાની તક પૂરી પાડી હતી.
મંદિરના સંતોએ તા. 23 ઑગસ્ટના રોજ મહંત સ્વામી મહારાજની પૂજા દરમિયાન વિવિધ કીર્તનની મેડલી દ્વારા સંગીતબધ્ધ ટ્રીબ્યુટ આપી હતી. વિડિઓ કોન્ફરન્સ સુવિધાઓ દ્વારા નેનપુરતી પૂ. મહંત સ્વામી મહારાજ તેમાં જોડાયા હતા અને તેનું લંડન સહિત વિશ્વભરમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને તેમાં મંદિરના દર્શન ઉપરાંત મંદિરના પ્રેરણાદાયક ઇતિહાસ અને વિવિધ પ્રસંગોને રજૂ કરાયા હતા. સ્વામીઓએ ખાસ કરીને આ પ્રસંગ માટે રચેલા વિવિધ કિર્તન રજૂ કર્યા હતા.
તા. 23ની મોડી સવારે પાટોત્સવ સમારોહની ઉજવણી પ્રસંગે વિવિધ પૂજા અને મંદિરના સ્વામિઓએ મુર્તિઓના અભિષેક સહિતના ધાર્મિક વિધિઓ હાથ ધરી હતી. મહંત સ્વામી મહારાજે ટેક્નોલોજીની મદદથી ભારતના નેનપુર ખાતેથી સ્વીચ દબાવીને લંડન મંદિરની ભગવાનની પ્રતિમાઓનો અભિષેક કર્યો હતો અને બપોરના સમયે આરતી પણ કરી હતી. તમામ પ્રસંગોનું વેબકાસ્ટ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીનુ સમાપન આશ્ચર્ય સાથે આંખો ખોલી દેનારૂ અને આકર્ષક દસ્તાવેજી શૈલીના નિર્માણ સાથે થયુ હતું. જેમાં મંદિરના સમૃદ્ધ ઇતિહાસ અને લંડન મંદિરના પડકારજનક સર્જન અને વિશ્વભરના સત્સંગીઓ અને મુલાકાતીઓ પર પડેલી ધેરી અસર અંગે રજૂઆત થઇ હતી. આ પ્રસંગે પૂ. મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન અને આશીર્વાદ દ્વારા કેવી રીતે દરેક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજના દૈવી વારસાનો ભાગ બની શકે છે તે જણાવવામાં આવ્યું હતું.