હિન્દી સિનેમામાં ડિસ્કો મ્યુઝિકને લોકપ્રિય બનાવનારા જાણીતા ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું 15 ફેબ્રુઆરીની રાત્રે મુંબઈની હોસ્પિટલમાં અવસાન થયું હતું. બપ્પી લહેરીએ 69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
આરોગ્યની વિવિધ સમસ્યાને કારણે કારણે તેઓ એક મહિનાથી હોસ્પિટલમાં હતા. સોમવારે તેમને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી. પરંતુ મંગળવારે તબિયત લથળી હતી અને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનું મધ્યરાત્રી પહેલા ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીયા (OSA)ને કારણે અવસાન થયું હતું.
બોલિવૂડમાં પ્રેમથી તેઓ બપ્પી દા તરીકે જાણીતા હતા. બપ્પી દાના ગીતો જેટલા લોકપ્રિય હતા તેટલો જ તેમનો સોના પ્રત્યેનો પ્રેમ પણ જાણીતો હતો. તેમના ગળામાં હંમેશા સોનાના આભૂષણો જોવા મળતાં. માત્ર ગળા જ નહીં તેમની આંગળીઓ અને હાથમાં પણ આભૂષણ પહેરતા હતા.
બપ્પી લહેરીનું અસલી નામ આલોકેશ લહેરી હતું. તેમનો જન્મ બંગાળના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે માત્ર 3 વર્ષની ઉંમરથી તબલા વગાડવાનું શરૂ કર્યું હતું. બપ્પી લહેરીને 2018માં લાઈફ ટાઈમ અચિવમેન્ટથી સન્માનિત કરાયા હતા. બપ્પી લહેરીના બે સંતાનો છે દીકરો બાપ્પા લહેરી અને દીકરી રીમા લહેરીનો સમાવેશ થાય છે.
બપ્પી લહેરીના અવસાનથી બોલિવુડમાં શોકની લહેર ફરી વળી હતી. સોશિયલ મીડિયા પર ‘ડિસ્કો કિંગ’ને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બપ્પી લહેરીના અવસાનના સમાચાર સાંભળ્યા બાદ ફિલ્મમેકર અશોક પંડિતે ટ્વિટ કરતાં લખ્યું, “રોકસ્ટાર બપ્પી લહેરીજીના અવસાનના સમાચાર સાંભળીને આઘાતમાં છું. વિશ્વાસ નથી થતો કે મારા પાડોશી હવે આ દુનિયામાં નથી રહ્યા. તમારું સંગીત હંમેશા અમારા દિલમાં રહેશે.” મહત્વનું છે કે, 6 ફેબ્રુઆરીએ સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન થયું હતું. તેમના નિધનના આઘાતમાંથી બહાર નહોતા આવ્યા ત્યાં જ બપ્પી લહેરીનું અવસાન થતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી છે.
‘ચલતે ચલતે’, ‘ડિસ્કો ડાન્સર’, ‘શરાબી’ વગેરે જેવા તેમના ડિસ્કો ગીતો ખૂબ પોપ્યુલર થયા હતા. બોલિવુડમાં બપ્પી દાનું છેલ્લું ગીત ‘ભંકાસ’ હતું, જે તેમણે ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘બાગી 3’ માટે બનાવ્યું હતું.