ભારતીય અને એથનિક માઇનોરીટીના ડોક્ટર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સને યુકેમાં જીવલેણ કોરોનાવાયરસનું જોખમ સૌથી વધારે છે એમ સૌ પ્રથમ સર્વેમાં બહાર આવ્યુ છે. બ્રિટિશ એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઈન્ડિયન ઓરિજિન (બાપિઓ)ના રિસર્ચ એન્ડ ઇનોવેશન ફોરમે હેલ્થ કેર પ્રોફેશનલ્સમાં જોખમી પરિબળો અને ઉભરતી ચિંતાઓ નક્કી કરવા માટે તા. 14થી 21 એપ્રિલ દરમિયાન એક સપ્તાહ લાંબો ઑનલાઇન સર્વે હાથ ધર્યો હતો.
તમામ બેકગ્રાઉન્ડના આશરે 2,003 લોકોએ તેમાં જવાબ આપ્યા હતા. જેમાં બહુમતી 66 ટકા હોસ્પિટલના ડૉક્ટર અને 24 ટકા લોકો પ્રાયમરી કેર પ્રોફેશનલ્સ છે. સર્વેક્ષણમાં 86 ટકા લોકો BAME બેકગ્રાઉન્ડના હતા જેમાં દક્ષિણ એશિયાઈ લોકોનો ભાગ 75 ટકા હતો.
બાપીઓના રિસર્ચ એન્ડ ઇનોવેશન ફોરમના અધ્યક્ષ ડૉ. ઇન્દ્રનીલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે ‘’આ BAME હેલ્થકેર કર્મચારીઓને સમાવિષ્ટ કરનારો આ પ્રકારનો સૌથી મોટો સર્વે છે. BAME બેકગ્રાઉન્ડના હોવાથી વાયરસના સંક્રમણનું જોખમ રહે છે. વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણોનો અભાવ (પી.પી.ઇ.) તબીબોની મોટી ચિંતા હતી. તો 64 મેડિક્સને પી.પી.ઇ. પહેરવા અથવા માંગવા બદલ ઠપકો આપ્યો હતો.’’
બાપીઓના પ્રમુખ રમેશ મહેતાએ જણાવ્યું હતું કે, “અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ કે જેઓ સંવેદનશીલ છે તેમનુ રક્ષણ કરે, જેથી ફ્રન્ટલાઈન કામદારો પોતે બીમાર ન પડે. બાપીઓ આ ક્ષેત્રમાં સંશોધન કરવા માટે ખૂબ જ ઉત્સુક છે અને અમે ઇમ્પીરીયલ કોલેજ લંડન જેવા ભાગીદારો સાથે મોટો અભ્યાસ કરવા માંગીએ છીએ જેથી ક્લિનિકલ પ્રેક્ટિસમાં લાગુ થઈ શકે તેવા વૈજ્ઞાનિક પુરાવા મળે.’’
સર્વેનો એકંદરે નિષ્કર્ષ એ હતો કે આ રોગચાળા દરમિયાન બ્રિટનના BAME સમુદાયો દ્વારા ઉંચા જોખમોનો સામનો કરવા માટેના વધુ પરિબળોને સ્થાપિત કરવા માટે વધુ સંશોધન જરૂરી છે.
બાપીઓના ચેરમેન ડૉ. જે.એસ. બામરાએ કહ્યું હતુ કે, “આ મહત્વપૂર્ણ સર્વેક્ષણમાં ઘણા બધા ક્ષેત્રો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. BAMEના હોવું તે એક સ્પષ્ટ જોખમનું પરિબળ છે અને આ ક્ષેત્રમાં અમારે વધુ સુસંસ્કૃત સંશોધન જોઈએ છે. યોગ્ય ફ્રન્ટલાઈન સ્ટાફ માટે યોગ્ય પી.પી.ઇ.નો અભાવ એ વારંવાર બનતો મુદ્દો છે.”