અમેરિકાની જાણીતી રીટેઇલર કંપની- બેડ બાથ એન્ડ બિયોન્ડે રવિવારે નાદારી માટે અરજી કરી હતી. કંપનીના બિઝનેસમાં ઘણા વર્ષોથી નોંધપાત્ર ઘટાડો થતાં તેની નુકસાની વર્ષે એક બિલિયન ડોલરથી વધુની થઈ ગઇ હતી. અનિશ્ચિત અર્થતંત્ર અને ઓનલાઈન શોપિંગના વર્ચસ્વ સામેના સંઘર્ષના કારણે કંપનીની આર્થિક સ્થિતિ કથળી હોવાનું કહેવાય છે. કોર્ટમાં કરેલી અરજીમાં કંપનીએ જણાવ્યું હતું કે, હોમ ગુડ્સ ચેઇન-બેડ બાથ એન્ડ બીયોન્ડ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ બેન્કરપ્સી કોર્ટ ફોર ધ ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂજર્સીમાં ચેપ્ટર 11 અંતર્ગત રાહત મેળવવા માટે સ્વૈચ્છિક અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
ન્યૂજર્સીસ્થિત આ રીટેઇલર કંપની દ્વારા શાવરના પડદા અને સાબુથી લઈને વેક્યૂમ ક્લીનર્સ અને ડ્યુવેટ કવર સુધીની અનેક વસ્તુનું વેચાણ કરવામાં આવે છે. અને તે વર્ષોથી અમેરિકાની સૌથી મોટી કંપનીઓની ફોર્ચ્યુન 500 યાદીમાં સ્થાન ધરાવે છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે નાદારીની કેટલીક બાબતોમાં સુરક્ષાની માગણી કરી હતી.
કંપનીએ ચેતવણી આપી હતી કે, “કંપનીની કામગીરી ચાલુ રાખવાની ક્ષમતા વિશેની નોંધપાત્ર શંકા ચિંતાજનક છે,” આ એક એવો સંકેત હતો જેનું વ્યાપક અર્થઘટન કરવામાં આવ્યું હતું તેનો અર્થ એ છે કે તે નાદારી નોંધાવી શકે છે. આથી ગત જાન્યુઆરીમાં બેડ બાથ એન્ડ બીયોન્ડના શેરના ભાવ ઘટ્યા હતા ત્યારે કંપની તરફથી જણાવવામાં આવ્યું હતું કે, તાજેતરમાં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં 386 મિલિયન ડોલરની ખોટ જવાની અપેક્ષા છે.