સરકારે ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રની ચાર બેન્કોને અલગ તારવી છે. આમાંથી બે બેન્કોનું 2021-22ના નાણાકીય વર્ષમાં વેચાણ કરવામાં આવશે. સરકારે અલગ તારવેલી બેન્કોમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરશીઝ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે, એમ સત્તાવાર સૂત્રોએ નામ જાહેર ન કરવાની શરતે સોમવારે જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન કાર્યાલય શરૂઆતમાં ચાર બેન્કોનું વેચાણ કરવા માગતું હતું, પરંતુ બેન્ક યુનિયન્સના સંભવિત વિરોધને કારણે સાવધ રહેવાની સલાહ આપવામાં આવી હતી. ઓછા કર્મચારીઓ ધરાવતી બેન્ક ઓફ મહારાષ્ટ્રનું ખાનગીકરણ સરળ બની શકે છે, તેથી સૌ પ્રથમ તેનું વેચાણ થઈ શકે છે. ખાનગીકરણની પ્રક્રિયા ચાલુ થતાં હજુ પાંચથી છ મહિના લાગી શકે છે.
આ અંગે નાણામંત્રાલયના પ્રવક્તાએ ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
બેન્ક યુનિયન્સના અંદાજ મુજબ બેન્ક ઓફ ઇન્ડિયામાં આશરે 50,000 અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં આશરે 33,000 કર્મચારીઓ છે. ઇન્ડિયન ઓવરશીઝ બેન્કમાં 26,000 અને બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં આશરે 13,000 કર્મચારીઓ છે.
જાહેર ક્ષેત્રોની બેન્કોનું ખાનગીકરણ રાજકીય રીતે જોખમી છે, કારણ કે તેનાથી ઘણા લોકોની નોકરી જઈ શકે છે. આમ ઉપરાંત સરકારી બેન્કોના યુનિયન પણ ઘણા મજબૂત છે, જે વિરોધ કરે તેવી પૂરી શક્યતા છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બીજી શ્રેણીની બેન્કો સાથે આ પ્રક્રિયા ચાલુ કરવા માગે છે. જાહેર ક્ષેત્રની કંપનીઓના વેચાણ મારફત સરકારની આવકમાં વધારો કરવાની યોજનાના ભાગરૂપે આ હિલચાલ કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર સ્થિતિનો તાગ મેળવા માટે ખાનગીકરણના પ્રથમ રાઉન્ડમાં મધ્યમ અને નાના કદની બેન્કોની વિચારણા કરી રહી છે. આગામી વર્ષોમાં સરકાર મોટી બેન્કોની પણ વિચારણા કરી શકે છે. જોકે સરકાર દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)માં તેનો બહુમતી હિસ્સો જાળવી રાખશે. ગ્રામીણ ધિરાણમાં વધારો જેવી પહેલના અમલ માટે એસબીઆઇને વ્યૂહાત્મક બેન્ક માનવામાં આવે છે.