Lord Gadhia

લોર્ડ જિતેશ ગઢિયા, સબીન ચેલમર્સ અને ટોમ શ્રોપશાયરની કોર્ટ ઓફ ધ બેંક ઓફ ઈંગ્લેન્ડમાં નોન-એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે વરણી કરાઇ છે. તેઓ આગામી મહિનાઓમાં પોતાની ભૂમિકાઓ નિભાવશે. તેમની વરણીને સ્વ. મહારાણી એલિઝાબેથે મંજૂરી આપી હતી. આ નિમણૂંકો રાજા દ્વારા કરવામાં આવશે. તેઓ ચાર વર્ષની મુદત માટે તેમની ભૂમિકા નિભાવશે.

આ કોર્ટ સંસ્થાની વ્યૂહરચના, બજેટ અને રિસોર્સિંગ અને નિમણૂકો અંગેના મુખ્ય નિર્ણયો લેવા માટે જવાબદાર સંચાલક મંડળ તરીકે કાર્ય કરે છે.

ચાન્સેલર જેરેમી હંટે કહ્યું હતું કે “ત્રણેયની નિમણૂકની જાહેરાત કરતા મને આનંદ છે. તેમાંથી દરેક બેંકની કોર્ટમાં અપાર કૌશલ્ય અને અનુભવ લાવશે.’’

બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઈલીએ કહ્યું હતું કે “કોર્ટના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે લોર્ડ જિતેશ ગઢિયા, સબીન ચેલમર્સ અને ટોમ શ્રોપશાયરનું સ્વાગત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. તેમના વિવિધ અનુભવો તેમને કોર્ટ અને બેંકના સંચાલનમાં અમૂલ્ય ઉમેરો કરે છે. હું તે બધા સાથે કામ કરવા આતુર છું.’’

કોર્ટના તમામ સભ્યોની નિમણૂક વડા પ્રધાન અને ચાન્સેલરની ભલામણ પર ક્રાઉન દ્વારા કરવામાં આવે છે. કોર્ટમાં તમામ નિમણૂકો મેરિટ પર કરવામાં આવે છે અને રાજકીય પ્રવૃત્તિ પસંદગી પ્રક્રિયામાં કોઈ ભાગ ભજવતી નથી.

બ્લેકસ્ટોન, બાર્કલેઝ કેપિટલ, એબીએન એમરો અને બેરિંગ બ્રધર્સમાં વરિષ્ઠ હોદ્દા પર રહેલા લોર્ડ જીતેશ ગઢિયા પાસે 25 વર્ષથી વધુનો ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને નાણાકીય સેવાઓનો અનુભવ છે. લોર્ડ ગઢિયા હાલમાં રોલ્સ-રોયસ હોલ્ડિંગ્સ પીએલસી, ટેલર વિમ્પી પીએલસી અને કમ્પેર ધ માર્કેટ લિમિટેડના બોર્ડમાં સેવા આપે છે. તેમણે અગાઉ UK ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (UKFI) અને UK ગવર્નમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (UKGI) ના બોર્ડમાં સેવા આપી હતી.

LEAVE A REPLY