ભારતના ટેકનોલોજી હબ ગણાતા બેંગલુરુમાં બે દિવસ સુધી મૂશળધાર વરસાદને પગલે જ લગભગ આખું શહેર પાણીમાં જળબંબાકાર થયું છે. સત્તાવાળાઓએ પોશ હાઉસિંગ સોસાયટીમાંથી લોકોને બચાવવા માટે મંગળવારે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.
સંખ્યાબંધ વૈશ્વિક આઇટી કંપનીઓ અને સ્ટાર્ટઅપના કેન્દ્ર ગણાતા બેંગલુરુમાં પહેલી જૂનથી સરેરાશ કરતાં 162 ટકા વધુ વરસાદ વરસ્યો છે. રાહત કાર્ય માટે બોટ અને ટ્રેક્ટર તૈનાત કરવા પડ્યા હતા. સાથે જ લોકોએ કથિત ગેરવહીવટ સામે રોષ વ્યક્ત કર્યો હતો. શહેરમાં અનેક તળાવો અને નાળાઓ છલકાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ ગયા. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું. બેંગલુરુના રહેવાસીઓને પૂરના રસ્તાઓ પાર કરવા અને તેમના ઘર સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એરપોર્ટ ઉપર પાણી ભરાયા હતા. ઘણા લોકોએ ટ્વિટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
જાણીતા આઈટી ઉદ્યોગસાહસિક મોહન દાસ પાઈએ ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો હતો. ‘કૃપા કરીને બેંગલુરુનું જુઓ’. આ વિડિયોમાં ભગવાન ગણેશના પોશાક પહેરેલા એક વ્યક્તિ ઘૂંટણિયે પાણીમાં છે અને વાહનો પડેલા જોઈ શકાય છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે તે આઉટર રિંગ રોડ પર પાંચ કલાકથી અટવાયેલો હતો.
શહેરના સરજાપુર રોડ પર રેમ્બો ડ્રાઇવ લેઆઉટ અને સન્ની બ્રૂક્સ લેઆઉટ સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સ્થિતિ એવી હતી સવારના સમયે વિદ્યાર્થીઓ અને ઓફિસ જનારાઓને લઈ જવા માટે બોટ અને ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. આઉટર રિંગ રોડ પરના ઘણા વિસ્તારોમાંથી એવા અહેવાલો છે કે વરસાદ અને પૂરના કારણે ઘણી આઈટી કંપનીઓના કામને પણ અસર થઈ છે.