બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન કટ્ટરવાદી તત્વોએ હિન્દુ મંદિરો પર હુમલા કર્યા હતા. આ પછી ભડકેલી હિંસામાં 3ના મોત થયા હતા. હિંસાને પગલે સરકારે 22 જિલ્લામાં અર્ધલશ્કરી દળો તૈનાત કર્યા હતા, એમ ગુરુવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલે ટ્વીટ કરીને કહ્યું હતું કે 13 ઓક્ટોબર, 2021નો દિવસ બાંગ્લાદેશના ઇતિહાસમાં નિંદનીય દિવસ છે. અષ્ટમીના દિવસે મૂર્તિ વિસર્જન પ્રસંગે અનેક પૂજા મંડપોમાં તોડફોડ કરવામાં આવી છે. હિન્દુઓએ હવે પૂજા મંડપોની રક્ષા કરવી પડશે. આજે આખી દુનિયા મૌન છે. માતા દુર્ગા તમામ હિન્દુઓ પર આશીર્વાદ જાળવી રાખે, ક્યારેય માફ ન કરતા.બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલે બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીના પાસે માગ કરી છે કે હિન્દુઓની સુરક્ષામાં વધારો કરવામાં આવે.
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન કટ્ટરવાદીઓએ સંખ્યાબંધ દુર્ગા પૂજા પંડાળોમાં તોડફોડ કર્યા બાદ હિન્દુ સમુદાયમાં ભય ફેલાયો હતો. આ ઘટનાને પગલે પશ્ચિમ બંગાળની રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળ્યો હતો. બંગાળના ભાજપના નેતા શુવેન્દુ અધિકારીએ આ મામલામાં વડાપ્રધાન મોદી હસ્તક્ષેપ કરે તેવી માંગ કરી છે.
બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરોમાં તોડફોનનની ભારત સરકારે પ્રતિક્રિયા આપીને આ હિંસાની તપાસ કરવાની માગણી કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અરિન્દમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે આ મુદ્દે ભારત બાંગ્લાદેશના સત્તાવાળાના સંપર્કમાં છે. બાંગ્લાદેશ સરકારે આવી ઘટનાઓ અંગે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે અમારા હાઇ કમિશનર બાંગ્લાદેશના સત્તાવાળાના સંપર્કમાં છે.