બાંગ્લાદેશની વચગાળાની સરકારે રચેલી એક સમીક્ષા સમિતિએ ભારતના અદાણી જૂથ સહિત વિવિધ બિઝનેસ ગ્રુપ સાથે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના શાસને કરેલા પાવર કરારોની તપાસ કરવા માટે એક તપાસ સમિતિની રચના કરવાની ભલામણ કરી છે. બાંગ્લાદેશની આ હિલચાલથી અદાણી ગ્રુપની મુશ્કેલીમાં વધુ વધારો થવાની ધારણા છે.
સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે વીજળી, ઉર્જા અને ખનિજ સંસાધન મંત્રાલય પરની રાષ્ટ્રીય સમીક્ષા સમિતિએ 2009થી 2024 સુધી શેખ હસીનાના નિરંકુશ શાસન દરમિયાન હસ્તાક્ષર કરાયેલા મોટા વીજળી ઉત્પાદન કરારોની સમીક્ષા કરવા માટે પ્રતિષ્ઠિત કાનૂની અને તપાસ એજન્સીની નિમણૂક કરવાની ભલામણ કરી છે.
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના કાર્યાલયે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સમિતિ હાલમાં અદાણી પાવર લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી (ગોડ્ડા) BIFPCL 1234.4 મેગાવોટ કોલસા આધારિત પ્લાન્ટ સહિત સાત મોટા ઉર્જા અને પાવર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી રહી છે. બીજા છ પ્રોજેક્ટમાં એક ચીની કંપનીનો છે. ચીન કંપનીને 1320 મેગાવોટનો કોલસા આધારિત પાવર પ્લાન્ટ આપવામાં આવેલો છે. બાકીના પ્રોજેક્ટ્સ બાંગ્લાદેશના બિઝનેસ ગ્રુપો સંબંધિત છે. આવું કરવા માટે અમે સમિતિને મદદ કરવા માટે એક અથવા વધુ ઉચ્ચ-સ્તરની આંતરરાષ્ટ્રીય કાનૂની અને તપાસ એજન્સી અથવા એજન્સીઓની તાત્કાલિક નિમણૂક કરવાની ભલામણ કરીએ છીએ. બાંગ્લાદેશે શેખ હસીના સરકારના કરારોની સમીક્ષા કરવા માટે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મોઇનુલ ઇસ્લામ ચૌધરીની આગેવાની હેઠળની એક સમિતિની રચના કરી હતી.