Bangladesh PM visits India,
(ANI Photo/ PIB)

ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ મંગળવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજી હતી. બંને દેશોએ આઈટી, અંતરિક્ષ, અને ન્યૂક્લિયર એનર્જી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે કુલ સાત કરાર કરવામાં આવ્યા હતા.

બંને દેશોના વડાંની મુલાકાત બાદ એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે આજે બાંગ્લાદેશ ભારતનું સૌથી મોટું વિકાસ ભાગીદાર છે અને આ ક્ષેત્રમાં આપણું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. લોકો વચ્ચે સહયોગમાં સતત સુધારો થઈ રહ્યો છે. અમે આઈટી, અંતરિક્ષ, ન્યૂક્લિયર એનર્જી જેવા સેક્ટરમાં પણ સહયોગ વધારવાનો નિર્ણય કર્યો.

મોદીએ જણાવ્યું હતું કે ગયા વર્ષ અમે બાંગ્લાદેશની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ, અમારા ડિપ્લોમેટિક સંબંધોની સુવર્ણ જયંતી, શેખ મુજીબુર્રહમાનની જન્મ શતાબ્દી એક સાથે ઉજવી હતી. મને વિશ્વાસ છે કે આગામી 25 વર્ષના અમૃત કાળમાં ભારત-બાંગ્લાદેશની મિત્રતા નવી ઊંચાઈએ સ્પર્શશે.

બંને દેશો વચ્ચે કુશિયારા નદીથી જળ વહેંચણી પર એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થયા હતા. તેનાથી ભારતમાં દક્ષિણ અસમ અને બાંગ્લાદેશમાં સિલહટ ક્ષેત્રને લાભ થશે. એવી 54 નદીઓ છે જે ભારત-બાંગ્લાદેશ સરહદેથી પસાર થાય છે અને સદીઓથી બંને દેશોના લોકોની આજીવિકા સાથે જોડાયેલી છે.

શેખ હસીનાએ કહ્યુ કે, ‘હું આ અવસરે ભારત સરકાર અને મારા ભારતીય મિત્રોને આઝાદીના અમૃત મહોત્સવના સફળ સમાપન માટે શુભેચ્છાઓ પાઠવવા માંગુ છું. અમૃતકાળની નવી સવારમાં આગામી 25 વર્ષ માટે હું શુભેચ્છા આપું છું. કારણ કે ભારત આત્મનિર્ભર બનવા માટે જરૂરી લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટેની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે મેં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્થક ચર્ચાનો વધુ એક તબક્કો પસાર કર્યો છે. તેના પરિણામે બંને દેશના લોકોને લાભ થશે. અમે નજીકની દોસ્તી અને સહયોગ કરવાની ભાવનાથી મુલાકાત કરી છે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને અમૃતકાળના આગામી 25 વર્ષમાં બંને દેશના સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જવા માટે આશ્વાસન આપ્યું હતું.

LEAVE A REPLY