વિદેશી હુંડિયામણની સ્થિતિ ગંભીર બનતાં બાંગ્લાદેશ સરકારે ડોલરના ખર્ચમાં કરકસર કરવાના નિર્ણયના ભાગરુપે બોલીવૂડ ડાન્સર નોરા ફતેહીના શોને મંજૂરી આપવા ઈન્કાર કર્યો છે.
બાંગ્લાદેશના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે સોમવારે જારી કરેલી નોટિસ અનુસાર, “વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને વિદેશી હૂંડિયામણના ભંડારને જાળવવાના હેતુથી ફતેહીને મંજૂરી આપવામાં આવી ન હતી.” ફતેહી વુમન લીડરશીપ કોર્પોરેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ડાન્સ કરવા અને એવોર્ડ આપવાના હતા.
બાંગ્લાદેશ પાસે હાલ ચાર સપ્તાહ સુધી ચાલે તેટલું જ વિદેશી હુંડિયામણ બચ્યું છે. એક વર્ષ પહેલાં તેની પાસે ૪૬.૧૩ બિલિયન ડોલરનો વિદેશી હુંડિયામણનો ભંડાર હતો, જે હવે ઘટીને ૩૬. ૩૩ બિલિયન ડોલર થઈ ગયો છે.
IMFના એશિયા અને પેસિફિક વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર એની-મેરી ગુલ્ડે-વોલ્ફના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આ મહિનાના અંતમાં બાંગ્લાદેશમાં પ્રથમ વાટાઘાટ મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે, જેથી દેશે જે લોન માંગી છે તેના પર સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી શકે.