પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સોમવારની રાત્રે તૃણમૂલ નેતાની હત્યા બાદ ફાટી નીકળેલી વ્યાપક હિંસામાં આઠ લોકોના મોત થયા હતા. નેતાની હત્યા બાદ એક ટોળાએ અનેક મકાનોમાં આગ ચાંપી દીધી હતી અને તેમાં આ લોકોને સળગીને મૃત્યુ પામ્યા હતા. ભાજપના નેતાઓએ કેન્દ્ર સરકારની દરમિયાનગીરીની માગણી કરી હતી અને રાજયના મુખ્યપ્રધાન મમતા બેનરજીના રાજીનામાની માગણી કરી હતી.
રાજ્યના ડીજીપી મનોજ માલવિયાએ જણાવ્યું હતું કે આ હિંસામાં આઠ લોકોના મોત થયા હતા. એક જ મકાનમાં સાત મૃતદેહ મળ્યા હતા. ઘાયલ થયેલા ત્રણમાંથી એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે, ઘટના સોમવાર રાતની છે. 10થી 12 ઘર હતા જે સળગી ગયા છે, કુલ 10 લોકોના મોત થયા છ, જેમની બોડી રિકવર કરાઈ છે. એક જ ઘરમાંથી 7 લોકોની લાશ બહાર કઢાઈ છે.
સોમવારે મોડી રાત્રે બંગાળના બીરભૂમના રામપુરહાટમાં બોમ્બ ફેંકીને પંચાયત નેતા ભાદુ શેખની હત્યા કરવામાં આવી હતી. શેખ સ્ટેટ હાઈવે 50 પર જઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા લોકોએ તેમના પર બોમ્બ ફેંક્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને રામપુરહાટની મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળ રાજકીય હત્યાઓ માટે ભારતમાં કુખ્યાત છે.