કોરોના વાયરસના વધતા જતા કેસોના ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને વીઝા માટે દિશા નિર્દેશ જાહેર કરી દીધા છે. નવા નિયમો અનુસાર 30 સપ્ટેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધી ઈન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સની સેવા બંધ રહેશે. DGCAએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. કાર્ગો ફ્લાઈટ્સ તેમજ DGCA દ્વારા અપ્રૂવ્ડ સ્પેશિયલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધના આ નિયમો લાગુ રહેશે નહીં.
નોંધનીય છે કે વંદે ભારત મિશન અંતર્ગત કેટલીક પસંદગીના રૂટો પર જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસની મહામારી સામેની જંગ લડી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 25221935 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 846385 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 16618163 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 7757387 કેસ એક્ટિવ છે.
દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 78512 કેસ નોંધાતા કુલ આંકડો 3621245 સુધી પહોંચી ગયો છે. દેશમાં સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા વધીને 2774801 સુધી પહોંચી ગયો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 64469 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 781975 એક્ટિવ કેસ છે.