સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોને સંબંધિત બીબીસી ડોક્યુમેન્ટ્રીનું સેન્સરિંગ રોકવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપવાની માંગ કરતી અરજી પર કેન્દ્રને નોટિસ જાહેર કરી હતી. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો અને સરકારના નિર્ણયના ઓરિજિનલ રેકોર્ડ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ને બ્લોક કરવાના તેના નિર્ણય સાથે સંબંધિત રેકોર્ડ રજૂ કરવા કહ્યું છે. હવે આ મામલે એપ્રિલમાં સુનાવણી થશે.
આ અગાઉ વરિષ્ઠ પત્રકાર એન રામ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા અને એડવોકેટ પ્રશાંત ભૂષણ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સીયુ સિંઘે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે આ એક એવો કેસ છે જ્યાં જાહેર ડોમેનમાં આદેશો વિના કટોકટીવાળા સત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે ડોક્યુમેન્ટ્રીની લિંક શેર કરતી ટ્વીટ્સને બ્લોક કરી દેવામાં આવી છે. તેના પર સર્વોચ્ચ અદાલતે કહ્યું કે અમે સરકારને આ સંબંધિત આદેશ દાખલ કરવા કહી રહ્યા છીએ અને તેની તપાસ કરીશું.