રસી અંગેના ભય અને ફેલાઇ રહેલી જાત જાતની અફવાઓ વચ્ચે, ઉચ્ચ વંશીય લઘુમતી વસ્તી ધરાવતા કેટલાક વિસ્તારોમાંના અડધા લોકો કોરોનાવાયરસની રસી લેવાનો ઇન્કાર કરી રહ્યા છે. જો કે રસી નહિં લેવાનું સૌથી વધુ પ્રમાણ શ્યામ લોકોમાં છે.
બર્મિંગહામના પબ્લિક હેલ્થ ડાયરેક્ટરે ચેતવણી આપી હતી કે શ્યામ અને એશિયન વસ્તી ધરાવતા શહેરના કેટલાક ભાગોમાં તો 50 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ રસી લેવા માંગતા નથી. ડો. જસ્ટિન વર્નેએ જણાવ્યું હતું કે જ્યારે લોકોને એપોઇન્ટમેન્ટ બુક કરાવવા કહ્યું ત્યારે 50 ટકા સુધી લોકોએ ‘ના’ કહી હતી. એશિયન અને આફ્રિકન-કેરેબિયન સમુદાયોની ઉંચી વસ્તી ધરાવતા અને કેટલાક વંચિત સમુદાયોએ રસીને સૌથી વધુ નકારી હતી.
સરકારના ઇમરજન્સી વૈજ્ઞાનિક સલાહકાર જૂથ (સેજ)ના સંશોધન મુજબ 72 ટકા શ્યામ લોકો આ રસી લેવા માટે અચકાતા હતા. પાકિસ્તાની અને બાંગ્લાદેશી સમુદાયોમાં આ આંકડો 42 ટકા હતો અને ઇસ્ટર્ન યુરોપિયન બેકગ્રાઉન્ડના લોકોમાં પણ ઉચ્ચ સ્તરે શંકા હતી. પરંતુ ગયા વર્ષે પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના અધ્યયનમાં જોવા મળ્યું હતું કે “કાવિડ-19થી થતા મૃત્યુમાં શ્યામ અને એશિયન વંશીય જૂથોના લોકો સૌથી વધુ હતા”.
સમાનતા અને માનવાધિકાર આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ ટ્રેવર ફિલિપ્સે કહ્યું હતું કે ‘’સરકારે પરિસ્થિતિને ગંભીરતાથી લેવી પડશે. એનએચએસ અને સરકારને સમજવું પડશે કે તેઓ જે જોઈ રહ્યા છે તે ધાર્મિક અથવા સાંસ્કૃતિક આધાર પર રસીનો નિષ્ઠાવાન અસ્વીકાર છે અને શ્વેત અધિકારીઓ દ્વારા સૂચવવામાં આવેલી કોઈપણ બાબતમાં લોકોને ઉંડી શંકા છે.”
રોયલ કૉલેજ ઑફ જનરલ પ્રેક્ટિશનર્સના માર્ટિન માર્શલે જણાવ્યું હતું કે, “કોઈ પણ દર્દીને રસી કેમ નથી જોઇતી તેના કારણોને આપણે સમજવાની જરૂર છે, જેથી આપણે તેમની પાસે રહેલી કાયદેસર ચિંતાઓ અને પ્રશ્નો પર ધ્યાન આપી શકીએ અને તેમને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરીએ.”
કોરોનાવાયરસ મૃત્યુ અને વંશીય લઘુમતીઓ પરના બીએમજે જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ સેન્ટ્રલ લંડનની સેન્ટ બર્થોલોમ્યુ હોસ્પિટલમાં પ્રથમ મોજામાં મૃત્યુ પામેલા 511 લોકોમાંથી, લગભગ 31 ટકા એશિયન બેકગ્રાઉન્ડના, 20 ટકા શ્યામ અને 40 ટકા શ્વેત હતા.
ગયા અઠવાડિયે 100થી વધુ મસ્જિદોમાં રસી અપાવવાની હિમાયત કરતો એક સંદેશ અપાયો હતો. ધ મોસ્ક્સ એન્ડ ઇમામ્સ નેશનલ એડવાઇઝરી બોર્ડે તેમના મંડળોને જણાવ્યું હતું કે આ રસી ઇસ્લામિક દ્રષ્ટિકોણથી હલાલ અને માન્ય છે અને તેમને નૈતિક દ્રષ્ટિકોણથી લેવામાં કોઈ ખચકાટ હોવો જોઈએ નહીં.’’