એનએચએસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ ઑનલાઇન મેન્ટલ હેલ્થ સપોર્ટના ડેટા મુજબ 18 વર્ષથી ઓછી વયના અશ્વેત લોકોમાં ચિંતા અને જાતે જ પોતાની જાતને નુકશાન પહોંચાડવાના દરમાં મોટો વધારો થયો છે. શ્યામ, એશિયન અને વંશીય લઘુમતી વારસાના બાળકોને તેમના શ્વેત સાથીદારો કરતા પણ કોવિડ-19 રોગચાળાને પરિણામે માનસિક સ્વાસ્થ્યને ખૂબ વધુ નુકસાન થયું છે.
ડેટા દર્શાવે છે કે છેલ્લા ત્રણ મહિનામાં બાળકો અને BAME મૂળના યુવાન લોકોની માનસિક સુખાકારીને અપ્રમાણસર અસર થઈ છે. ઉદાહરણ તરીકે, ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં માર્ચ, એપ્રિલ અને મે દરમિયાન કુથ ડિજિટલ સપોર્ટ સર્વિસ પાસે અસ્વસ્થતા અથવા તાણ માટે મદદ માંગતા BAMEના 18 વર્ષથી ઓછી વયના લોકોની સંખ્યામાં 11.4%નો વધારો થયો છે, જ્યારે શ્વેત લોકોની સંખ્યા માત્ર 3% જ વધી હતી.
આત્મહત્યાના વિચારો ધરાવતા 18થી નીચેની વયના લોકોની સંખ્યા એ જ ત્રણ મહિનામાં 26.6%નો વધારો થયો હતો. જે શ્વેત લોકોમાં 18.1%નો વધારો હતો. પોતાને નુકસાન પહોંચાડવાની ઘટનાઓમાં BAME લોકોમાં 29.5%નો અને શ્વેત જૂથોમાં 24.9% નો વધારો થયો છે. 7,482 BAME યુવાનોમાંથી દર પાંચમાંના એકે આત્મહત્યાના વિચારો આવતા હોવાનું કે જાતે ઇજા કરવાનું વિચાર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
“આ સંખ્યાઓ સ્પષ્ટ જણાવે છે કે તાજેતરના મહિનાઓમાં બાળકો અને યુવાનોના માનસિક સ્વાસ્થ્યમાં નોંધપાત્ર બગાડ થયો છે અને આ ધીમું થઈ રહ્યું હોવાના હજી સુધી કોઈ સંકેત મળ્યો નથી.” એમ સલાહકાર ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડો. લિને ગ્રીને જણાવ્યું હતું.
સેન્ટર ફોર મેન્ટલ હેલ્થ થિંકટેન્કના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ એન્ડી બેલે કહ્યું હતું કે “આ ચિંતાજનક આંકડાઓ છે. બહુવિધ સ્રોતોના વધતા પુરાવા છે કે બાળકો અને યુવાન લોકોના માનસિક સ્વાસ્થ્યને કોવિડ-19 દ્વારા ભારે અસર થઈ રહી છે.”