બ્લેક, એશિયન, માઇનોરીટી અને એથનીક (BAME) મેડિક્સ અને હેલ્થ કેર કર્મચારીઓએ આઇટીવી ન્યૂઝના આ પ્રકારનાં સૌથી મોટા સર્વેમાં જણાવ્યું હતુ કે ‘’કોરોનાવાયરસનો ચેપ લાગ્યા પછી મૃત્યુ પામનાર તેમના સાથીદારોની અપ્રમાણસર સંખ્યા પાછળ ફ્રન્ટલાઈન પર થઇ રહેલો “પ્રણાલીગત ભેદભાવ” મુખ્ય પરિબળ હોઈ શકે છે. ઉત્તર આપનારા જુદી જુદી જાતિના અને એનએચએસમાં જુદાજુદા રોલ પર સેવા આપતા હતા.
સરકારે એનએચએસની હોસ્પિટલોમાં મૃત્યુ પામનાર લોકોનુ સત્તાવાર બ્રેકડાઉન બહાર પાડ્યુ નથી. પરંતુ આઇટીવી ન્યૂઝના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ઇંગ્લેન્ડમાં મૃત્યુ પામેલા BAME એનએચએસ કર્મચારીઓની સંખ્યા શ્વેત કામદારો કરતા સાત ગણી વધારે છે.
સર્વેક્ષણ માટે 2,000થી વધુ લોકોએ પ્રતિસાદ આપ્યો હતો જેમાં બહાર આવ્યું હતુ કે BAME એનએચએસ સ્ટાફ સૌથી જોખમકારક ફ્રન્ટલાઈનની ભૂમિકાઓમાં ભયભીત લાગે છે અને તેમને અયોગ્ય રીતે ફરજ સોંપવામાં આવી છે. તેમને ચેપનું જોખમ વધારે છે, ઘણાંને પોતાનુ કોઇ સાંભળતુ નથી એમ લાગે છે તો ઘણાં તેમનો વ્યવસાય છોડી દે છે.
આઘાતજનક રીતે 50 ટકા લોકોને લાગ્યું હતું કે ભેદભાવભર્યા વર્તને ઉંચા મૃત્યુની સંખ્યામાં ભૂમિકા ભજવી છે. પાંચમાંથી એક એવો દાવો કર્યો હતો કે તેમણે ભેદભાવનો વ્યક્તિગત અનુભવ કર્યો છે. જ્યારે 50 ટકાએ એમ કહ્યું હતું કે આરોગ્ય ફાળો આપનાર એક મહત્વનું પરિબળ છે. આ સર્વેમાં 4,000 કોમેન્ટ મળી હતી. જેમાં રેસીઝમ પણ શામેલ છે.
બ્રિટીશ મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ, ડૉ. ચાંદ નાગપૌલે આઇટીવી ન્યૂઝને જણાવ્યું હતુ કે ‘’ફક્ત BAME ડૉક્ટરનુ સ્ટેટસ ધરાવતા હો તો પણ તમે જોખમમાં મૂકાવ છો. આ એક વાસ્તવિક ચિંતા છે અને તે એનએચએસની એક સંસ્કૃતિ છે જે થોડા સમયથી અસ્તિત્વમાં છે, અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. સર્વેક્ષણમાં મૃત્યુની અપ્રમાણસર સંખ્યા માટેનુ સૌથી સામાન્ય કારણ BAME સ્ટાફને ફ્રન્ટલાઇન પર સોંપવામાં આવેલી જવાબદારી હતી. જ્યાં વાયરસ લાગવાનુ જાખમ સૌથી વધુ હતુ.’’ ભૂતકાળના BMAના સર્વેમાં ડૉક્ટરો અને વંશીય લઘુમતી ડોકટરોને ત્રાસ અને સતામણી શ્વેત ડોકટરો કરતા ઘણી વધારે હોવાનું જણાયુ હતુ.
ડાઉનિંગ સ્ટ્રીટે જાહેરાત કરી હતી કે શ્યામ અને લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિના લોકોના અપ્રમાણસર મરણ અંગે તપાસ કરનાર છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે આઇટીવી ન્યૂઝને જણાવ્યું હતું કે તેઓ કોવિડ-19નો ચેપ મેળવનાર અને મૃત્યુ પામેલા “BAME બેકગ્રાઉન્ડના લોકો”ની સંખ્યા વિશે ખૂબ જ ચિંતિત છે. જાતિવાદ અને ભેદભાવપૂર્ણ વર્તનને નાબૂદ કરવા માટે સંકલ્પબદ્ધ છે. સલામતી ન લાગે ત્યારે કહેવામાં સક્ષમ હોવાનો આત્મવિશ્વાસ તેમનામાં હોવો જોઈએ. હું પૂરેપૂરું સ્વીકારું છું કે BAME બેકગ્રાઉન્ડના લોકો વધુ પ્રમાણમાં મરણ પામ્યા છે અને અમે તેના પર કામ કરી રહ્યા છીએ. તેનાથી હું ખરેખર ચિંતિત છું.”
એનએચએસ ઇંગ્લેન્ડના પ્રવક્તાએ કહ્યું હતુ કે “BME બેકગ્રાઉન્ડના લોકો પર કોવિડ -19 ની અસર અંગેની પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડની તપાસના તારણોની રાહ જોઈ રહ્યા છીએ.
લઘુમતી વંશીય જૂથોને ઘણી વખત એનએચએસના નીચલા સ્તરે વધુ રજૂ કરવામાં આવ્યા હતા. ઘણા લોકોએ આઇટીવીને કહ્યું હતું કે ‘’તેઓ માને છે કે ગેરવાજબી અથવા ભેદભાવપૂર્ણ નિર્ણયો પણ લેવાયા હતા. એકે વર્તનને “ખૂબ જ અયોગ્ય” ગણાવતાં ઉમેર્યું હતું કે “તમામ BAME નર્સોને રેડ વોર્ડમાં અને મારા શ્વેત સાથીદારોને સતત ગ્રીન વોર્ડમાં રખાયા હતા.” તો બીજાએ જણાવ્યું હતુ કે “ડિપાર્ટમેન્ટમાંથી ફક્ત BAME ડોકટરોને જ મૂકવામાં આવ્યા છે.” પાકિસ્તાની મૂળના કાર્ડિયોલોજિસ્ટે જણાવ્યુ હતું કે “ઘણા શ્વેત ડોકટરો મેનેજમેન્ટની સ્થિતિમાં હોય છે અને તેઓ હાથ કાળા કરવા BAMEને આગળ ધકેલે છે.” એ એન્ડ ઇમાં કામ કરતા એકે જણાવ્યું હતું કે, “ખાસ કરીને BAME ન હોય તેવા મારા સ્ટાફના સાથીદારો અમારી પાસે દર્દીઓ હોય ત્યારે પણ મને અને મારા જુનિયર સાથીદારોને કોવિડ વિસ્તારમાં જવા દબાણ કરતાં હતાં.’’
53% લોકોએ જણાવ્યું હતું કે તેમને સોંપવામાં આવેલી જવાબદારી અંગે તેઓ સ્વસ્થતા અનુભવતા નહતા. એશિયન મૂળના બ્રિટીશ રેસ્પીરેટરી કન્સલ્ટન્ટે કહ્યું હતું કે “હોસ્પિટલ મેનેજમેંટ દ્વારા BAME જૂથના સૂચનો લેવામાં આવતા નથી. તેમની ચિંતાઓ અથવા ટિપ્પણીઓને અવગણવામાં આવે છે. કોવિડ રિસ્પોન્સ ટીમમાં BAMEના એક પણ સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.”
વિદેશી નાગરીકતા ધરાવતા BAME એનએચએસ સ્ટાફને વિઝા નિયમોને લીધે, તેમનું ઘર ગુમાવવાના ડર અને નોકરી ગુમાવવાનો ભય હોય છે. તો એકે કહ્યું હતું કે “યુકેમાં એકલા રહેતા હોવાથી ઘણા બધા લોકોને તાત્કાલિક કુટુંબનો ટેકો નથી મળતો. જે તેમની તાણમાં વધારો કરે છે.”
75 ટકા લોકોએ સર્વેમાં જણાવ્યું હતું કે BAME તબીબોમાં મૃત્યુની અપ્રમાણસર સંખ્યામાં પૂરતા રક્ષણનો અભાવ જવાબદાર હોઇ શકે છે. બહુ લોકોએ જણાવ્યું હતુ કે ‘’રોગ ફાટી નીકળવાની શરૂઆતમાં તેમણે પીપીઈ અંગે ચિંતા વ્યક્ત કરી ત્યારે તેમને ઉપરી અધિકારીઓ દ્વારા “ગભરાવું નહીં” એમ કહ્યું હતું. 60% લોકોએ અપ્રમાણસર મૃત્યુઆંકમાં પી.પી.ઇ.નો અભાવ એક પરિબળ છે તેમ જણાવ્યું હતુ. સંસ્થામાં સિસ્ટમ અને PPEના અભાવ વિશે વાત કરનાર એકને તેના વરિષ્ઠ સાથીએ ચૂપ રહેવા અને ભય ન ફેલાવવા જણાવ્યું હતુ.
એક તબીબી કર્મચારીને તો લોકડાઉનના બે અઠવાડિયા પહેલા માસ્ક પહેરવા માટે “સક્રિય રીતે પ્રતિબંધિત” કરવામાં આવ્યો હતો. તેને પી.પી.ઈ. બાબાતે કાઢી મુકવાની ધમકી આપવામાં આવી હતી.”
સર્વેમાં ભાગ લેનારા લોકો પૈકીના 85 ટકા લોકોએ જણાવ્યું હતું કે ‘’તેઓ BAME મેડિક્સના અપ્રમાણસર મૃત્યુના પરિણામે વધુ ડર અનુભવે છે.’’ એક કર્મચારીએ તેમના કાર્યને “સંપૂર્ણ નરક સમાન અને અત્યંત ભયાનક” ગણાવ્યું હતુ. 90 ટકા લોકોએ સરકારને BAME મેડિક્સને બચાવવા માટે વધુ કામગીરી કરવાની હાકલ કરી હતી.