લીડ્સની સેન્ટ જેમ્સ યુનિવર્સિટી હોસ્પિટલના ડોકટરોના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શ્યામ અને એશિયન લોકોને શ્વેત લોકોની સરખામણીમાં સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાની શક્યતા ઓછી છે.
20,000થી વધુ લોકોના કિડની ટ્રાન્સપ્લાન્ટના વિશ્લેષણ બાદ જણાયું હતું કે શ્વેત દાતા પાસેથી કિડની મેળવનાર પાંચમાંથી ચાર શ્વેત એટલે કે 81 ટકા લોકો સાત વર્ષ પછી પણ સ્વસ્થ હતા અને તેમની કીડની યોગ્ય રીતે કામ કરતી હતી.
જો કે, એશિયન દાતાઓ અને દર્દીઓ માટે આ આંકડો ઘટીને 70.6 ટકા અને શ્યામ લોકોમાં પ્રત્યારોપણનું પ્રમાણ 69.2 ટકા થયું છે. શ્વેત દાતાઓ પાસેથી મેળવેલા અંગો અન્ય વંશીયતા ધરાવતી વ્યક્તિને આપવામાં આવતા હતા ત્યારે તેમાં વધુ સારી સફળતા મળતી હતી. ઉદાહરણ તરીકે, મૃતક શ્વેત વ્યક્તિની કિડની હજુ પણ સાત વર્ષ પછી પણ સંપૂર્ણ રીતે કાર્યરત છે.
લીડ્ઝના કન્સલ્ટન્ટ હેપ્ટોબિલરી અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને નવા અભ્યાસના મુખ્ય લેખક અબ્દુલ રહેમાન હકીમે જણાવ્યું હતું કે ‘’શ્યામ, એશિયન અને વંશીય લઘુમતી વ્યક્તિઓને પ્રથમ તો મેચીંગ કીડની શોધવામાં તકલીફ પડે છે. વંશીય લઘુમતીઓમાંથી અંગદાન કરતા દાતાઓની અછતના કારણે, ઘણી વ્યક્તિઓને યોગ્ય ટ્રાન્સપ્લાન્ટ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે જે શ્વેત દર્દીઓ કરતા બમણો સમય હોય છે. આનો અર્થ એ છે કે દર્દીએ ઘણો સમય ડાયાલિસિસ પર રહેવું પડે છે. અન્ય કરતા વધુ બીમાર રહે છે અને ઓપરેશનની સફળતાની સંભાવના ઘટે છે.‘’