વંશીય લઘુમતી સમુદાયના જજીસને ટોચની નોકરીઓમાંથી બાકાત રાખતા ‘ઓલ્ડ બોય નેટવર્ક’ની તપાસ માટે ટોચના આઠ નામાંકિત જજીસે હાકલ કરી છે. ન્યાય તંત્રમાં સેવા આપતા જજીસનું એક જૂથ ભેદભાવ અને બુલીઇંગના દાવાઓની સંસદીય તપાસ માટે હાકલ કરી રહ્યું છે.
ક્રાઉન, કાઉન્ટી અને ટ્રિબ્યુનલ કોર્ટમાં કાર્યરત આઠ જજીસ ન્યાયતંત્રના ઉચ્ચતમ સ્તરે “પ્રણાલીગત” ભેદભાવને ઉજાગર કરવા માંગ કરી રહ્યા છે. મોટે ભાગે લઘુમતી સમુદાયના આઠ જજીસે “ન્યાયતંત્રની અંદર ભેદભાવ, બુલીઇંગ અને નેતૃત્વ માળખાંમાં અને ન્યાયાધીશોની નિમણૂક અને બઢતી માટેની સિસ્ટમની તપાસ” માટે સન્ડે ટાઇમ્સને લખેલા પત્રમાં તપાસ કરવા કહ્યું છે. કાયદાકીય પ્રણાલી સામે જજીસને બોલવાની મંજૂરી ન હોવાથી તેમણે પોતાનું નામ જાહેર નહિં કરવા વિનંતી કરી હતી.
તેમણે “વેલ કનેક્ટેડ અને સમૃદ્ધ પરંપરાગત પૃષ્ઠભૂમિ”ના ઉમેદવારોની તરફેણ કરે તેવી સિસ્ટમ ચલાવવા બદલ જ્યુડીશીયલ એપોઇન્ટમેન્ટ કમિશન (જેએસી)ની ટીકા કરી છે.
ગયા વર્ષે જજ બનવાની અરજી કરનારાઓમાં જે લોકો શ્વેત હોય તેમને શોર્ટલિસ્ટ કરવામાં આવે તેવી સંભાવના વધુ હતી. જૂથે કહ્યું હતું કે ‘’જેએસીના આંકડા મુજબ, 33 ટકા શ્વેત ઉમેદવારોને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા અને વંશીય લઘુમતીના લોકોમાં તે ટકાવારી 16 ટકા હતી. ગયા વર્ષે ચોથા ભાગના શોર્ટ લીસ્ટેડ અરજદારો અશ્વેત પૃષ્ઠભૂમિના હતા, પરંતુ મોટાભાગના લોકોની અરજી પ્રારંભિક તબક્કે નકારી કાઢવામાં આવી હતી.
આ જજીસે દાવો કર્યો હતો કે એક કિસ્સામાં શ્વેત જજે જાતિવાદી શબ્દો અને હરકતોનો ઉપયોગ કરીને ચાઇનીઝ મૂળના સાક્ષીની નકલ કરી હતી. તો બીજા શ્વેત જજે એશિયન બેરિસ્ટર વિશે અસ્પષ્ટ અને જાતિવાદી ટિપ્પણી કરી ખાનગીમાં તેમના ઉચ્ચારની નકલ કરી હતી. એક શ્વેત જજે ખાનગીમાં કેટલાય એસાયલમ સીકરની અરજીઓને નકારી હોવાનું જણાવ્યું હતું.
વરિષ્ઠ જજીસ જેમને ‘ઓલ્ડ બોય નેટવર્ક’નું નામ અપાયું છે અને “બ્રીડીંગ ગ્રાઉન્ડ ફોર નેટવર્ક” તરીકે ઓળખાય છે તેઓ ઉમેદવારો વિશેના અનૌપચારિક ઉપસંહાર પૂરા પાડે છે.
ગયા અઠવાડિયે નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ચિફ પ્રોસિક્યુટર નઝીર અફઝલે કહ્યું હતું કે “છેલ્લા કેટલાક સમયથી દેશભરના જજીસે મારો સંપર્ક કરી તેમના લીડર્સ દ્વારા થતા ભેદભાવ અને બુલીઇંગની અત્યંત મુશ્કેલીજનક વાતો શેર કરી હતી. જેણે કેટલાકને આત્મઘાતી વિચારો અને ખરાબ સ્વાસ્થ્ય તરફ દોર્યા હતા. “તેઓ સતત એવી સિસ્ટમનું વર્ણન કરે છે જ્યાં કરેલી ફરિયાદ તમને પીડિત બનવા તરફ દોરી જાય છે, એવી સિસ્ટમ જ્યાં ‘ઓલ્ડ બોય નેટવર્ક’ જીવંત અને સારું છે. જે છેક ઉપર સુધી છે. અને જજીસ ને કોણ જજ કરે?”
હાલમાં જજીસની કુલ સંખ્યામાં 14 ટકા લોકો વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના છે. ગત વર્ષે કમિશનનો નિમણૂકનો દર લઘુમતી ઉમેદવારો માટે 5 ટકા હતો પરંતુ શ્વેત અરજદારો માટે 13 ટકા હતો. વેલ્સમાં 121 માંથી ચાર લઘુમતી જજીસ છે. માત્ર 4 ટકા હાઈકોર્ટના જજીસ લઘુમતીમાંથી આવે છે, જેની સામે 10 ટકા સાંસદ અને 40 ટકા એનએચએસ સલાહકારો છે.
જ્યુડિશિયલ ઑફિસના પ્રવક્તાએ કહ્યું: “બુલીઇંગ, ભેદભાવ અથવા પજવણીના કોઈપણ કેસ ખાસ કરીને વરિષ્ઠ ન્યાયતંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય છે, જેમણે કહ્યું છે કે તેઓ ખાતરી કરશે કે તેઓ કોઈપણ આરોપની સંપૂર્ણ તપાસ કરશે.”
2020માં વિવિધ કૉર્ટના જજીસ | ટકા | સંખ્યા |
કોર્ટ ઓફ અપીલ જજીસ | 3 | 1 |
હાઇ કોર્ટ જજીસ | 4 | 4 |
સર્કિટ જજીસ | 4 | 27 |
તમામ કોર્ટના જજીસ | 8 | 214 |