શ્વેત લોકોની સરખામણીએ સંપૂર્ણ રીતે લાયક હોવા છતાં BAME આઇટી વર્કર્સની ટોચ પર જવાની સંભાવના ઓછી છે એમ BCS, ધ ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આઇટી દ્વારા કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે. BAME આઇટી નિષ્ણાતોમાંના ફક્ત 9% લોકો જ ડિરેક્ટર હતા. 43% શ્વેત કાર્યકરોની તુલનામાં માત્ર 32 ટકા BAME વર્કર્સે પોતાને મેનેજર અથવા સુપરવાઇઝર તરીકે વર્ણવ્યા હતા.
ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના ડેટાનો ઉપયોગ કરીને કર્મચારીઓના વલણોનું વિશ્લેષણ કરી બીસીએસના 2020 વિવિધતા અહેવાલમાં જણાવાયું હતું કે આઇટીમાં BAME વર્કર્સની એકંદર ટકાવારી પ્રમાણમાં ઉંચી છે. શ્વેત વંશીય જૂથોના 66% એટલે કે દર દસમાંથી સાત કરતા ઓછા લોકો પાસે ડીગ્રી કે HE લેવલની લાયકાત હતી. જ્યારે BAME કામદારો પૈકી 85 ટકા કરતા વધારે એટલે કે દસમાંથી નવ લોકો પાસે ડીગ્રી કે HE લેવલની લાયકાત હતી.
નવા આંકડા મુજબ યુકેમાં 268,000 BAME આઇટી નિષ્ણાતો હતા, જે યુકેના તમામ આઇટી નિષ્ણાતોમાંના 18% જેટલા હતા. પણ વર્કફોર્સના ઉચ્ચ સ્તરે તેમનું પ્રતિનિધિત્વ માત્ર 12% જેટલું જ હતું. જો કે ધીમેધીમે તે દર વધી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં બે ટકાના પોઇન્ટનો વધારો થયો છે.
વ્યક્તિગત BAME પ્રતિનિધિત્વ જોઇએ તો ભારતીયો 8%, શ્યામ આફ્રિકન / કેરેબિયન / બ્રિટીશ બેકગ્રાઉન્ડના લોકો 2% અને પાકિસ્તાની / બાંગ્લાદેશી લોકો 2% છે. જો કે પગારના અંતરના કોઈ પુરાવા મળ્યા નથી. પણ સરેરાશ 2019માં BAME આઇટી નિષ્ણાતોનો એકંદર પગાર કલાકના £21 હતો. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં BAME નું પ્રતિનિધિત્વ સૌથી ઓછું ફક્ત 8% હતું.