પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા બ્લેક, એશિયન, માઇનોરીટી એથનિક દર્દીઓનો ડેટા પ્રકાશિત કરવો જ જોઇએ, જો તેમ નહિ કરવામાં આવે તો BAME લોકોની જિંદગીને તે જોખમમાં મુકી શકે છે એમ રાજકારણીઓ અને પ્રેશર ગૃપ્સે ચેતવણી આપી છે. ક્રિટીકલ કેર યુનિટમાં સારવાર લેતા વંશીય લઘુમતી ધરાવતા દર્દીઓ અને એનએચએસ સ્ટાફના વધારે મૃત્યુ થયા છે.
સરકારે કહ્યું છે કે એનએચએસ ઇંગ્લેંડ અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા ઔપચારિક સમીક્ષા કરવામાં આવશે. પરંતુ જો તે સાચુ જણાશે તો તેનો ડેટા શેર કરવામાં આવશે અથવા તે માટે કોઇ સમય મર્યાદા નક્કી કરવામાં વશે કે કેમ તે વિશે કોઈ માહિતી નથી. BAME કેમ્પેઇનર્સે જણાવ્યું હતું કે આ આંકડા ઝડપથી વહેંચવામાં આવે તે જરૂરી છે જેથી તેનુ વિશ્લેષણ વહેલી તકે શરૂ થઈ શકે.
ગાર્ડીયનના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે 53 એનએચએસ સ્ટાફના આ રોગચાળામાં મૃત્યુ થયા હોવાનું મનાય છે. જેમાંના 68% BAME હતા. જેમાં 22 નર્સો, બે પોર્ટર, એક રેડિયોલોજી સપોર્ટ વર્કર, પેશન્ટ ડિસ્ચાર્જ પ્લાનર અને હોસ્પિટલ બસ ડ્રાઇવર સામેલ છે. બ્રિટીશ મેડિકલ એસોસિએશનના જણાવ્યા મુજબ ફિલિપાઇન્સના ડઝનથી વધુ હેલ્થકેર કર્મચારીઓ અને ફિલિપિનો મૂળના ઓછામાં ઓછા 23 લોકો આ રોગમાં મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળે છે.
ઑપરેશન બ્લેક વોટના ડિરેક્ટર લોર્ડ વૂલીએ જણાવ્યું હતું કે, “કોવિડ-19એ ખાસ કરીને ઇંગ્લેન્ડમાં BAME સમુદાયો પર વિનાશક અસર કરી છે. જો પબ્લિક હેલ્થ ઇંગ્લેંડ પાસે હોસ્પિટલમાં કોણ મરી રહ્યું છે તેનો વંશીય ડેટા હોય તો તેમણે અવશ્ય જાહેર કરવો જોઇએ. આ ડેટાની પારદર્શિતા અને તમામ સંબંધિત એજન્સીઓ ઝડપી કાર્યવાહી કરશે તો આપણે ઘણાના જીવન બચાવી શકીશું. ”
એશિયન અને શ્યામ દર્દીઓ જે તે વિસ્તારોમાં વસ્તીના ચોથા ભાગના હોવા છતા ક્રીટીકલ કેરમાં તેમની સંખ્યા હોસ્પિટલમાં દર્દીઓના ત્રીજા ભાગની છે. ઈન્ટેન્સિવ કેર નેશનલ ઓડિટ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા કોવિડ-19ના કારણે ક્રિટીકલ કેર વિભાગમાં સારવાર લઇ રહેલા 3,883 દર્દીઓનો અભ્યાસ દર્શાવે છે કે BAME દર્દીઓનો હિસ્સો 33.6 ટકા છે. જેમાં એશિયન દર્દીઓ 14.4% અને શ્યામ દર્દીઓ 11.9% છે. જ્યારે તેમની કુલ વસ્તી દેશમાં 14% છે.
એમ્નેસ્ટી યુકેના કાયદા અને માનવ અધિકાર કાર્યક્રમના નિયામક, રશેલ લોગને જણાવ્યું હતું કે સરકારની સમીક્ષાની જરૂર છે, પરંતુ તે પારદર્શક હોવી જોઈએ.”
આ તપાસના જવાબમાં નાગપૌલે કહ્યું હતું કે “અમને આનંદ છે કે સરકારે આ સમીક્ષા માટે બીએમએના આહવાનને ધ્યાનમાં રાખ્યું છે. સરકારે એથનીસીટી, સંજોગો અને હોસ્પિટલના તમામ દર્દીઓની લાક્ષણિકતાઓ, સમુદાયમાં માંદગીના સ્તર વિશેના દૈનિક અપડેટ્સ સામેલ થવા જોઈએ, જે હાલમાં નોંધાયેલ નથી.’’
બોલ્ટન સાઉથ-ઇસ્ટના સાંસદ યાસ્મિન કુરેશીએ 27 લેબર સાંસદોના જૂથ સાથે સરકારને BAMEના મૃત્યુ અંગેનો ડેટા જાહેર કરવા જણાવી હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકને વિનંતી કરી છે કે આટલી મોટી સંખ્યામાં BAMEના ડોકટરો કેમ મરી રહ્યા છે તે તપાસવુ જોઇએ.
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ડેથ સર્ટિફિકેટ્સ પર એથનીસીટી લખવામાં આવતી નથી. સ્કોટલેન્ડમાં તેને 2012માં ઉમેરવામાં આવી હતી.