ભારતીય ક્રિકેટ બોર્ડે એક મહત્વના નિર્ણયમાં વિરાટ કોહલીને વન-ડે ટીમના કેપ્ટન તરીકે હટાવી દીધો હતો. કોહલીએ ટી-20માં સુકાનીપદ છોડવાનો પોતે જ નિર્ણય લીધો હતો, પણ વન-ડેનું સુકાનીપદ છોડવાની તેની ઈચ્છા નહોતી, તેનાથી વિપરિત એવું કહી શકાય કે એ પદેથી હટવાનો તેનો ઈરાદો નહીં હોવા છતાં તેને હટાવી દેવાયો છે. વન-ડે ટીમનું સુકાનીપદ પણ ટી-20ની માફક રોહિત શર્માને સોંપાયું છે.
વન-ડે ટીમનું સુકાનીપદ છોડવા કોહલીને ક્રિકેટ બોર્ડે 48 કલાકનુ અલ્ટીમેટમ આપ્યું એ પછી પણ કોહલીએ કોઈ જવાબ નહીં આપતા બોર્ડે રોહિત શર્માને વન-ડેની કેપ્ટનશિપ સોંપવાની જાહેરાત કરી હતી.
બોર્ડે 2023માં ભારતમાં યોજાનારા વર્લ્ડકપને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો હોવાનું સમજયા છે. જો કે, પાછળથી બોર્ડના પ્રેસિડેન્ટ અને ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ એવું કહ્યું હતું કે, કોહલીના સ્થાને રોહિત શર્માને વન-ડેમાં પણ સુકાનીપદ સોંપવાનો નિર્ણય બોર્ડના અધિકારીઓ તેમજ પસંદગી સમિતિએ સંયુક્ત રીતે લીધો હતો.
ગાંગુલીએ તો એવું પણ કહ્યું હતું કે, તેણે વ્યક્તિગત રીતે પણ કોહલીને ટી-20 ટીમમાં સુકાનીપદ નહીં છોડવા સમજાવ્યો હતો, પણ તે માન્યો નહોતો. આ સંજોગોમાં, પસંદગીકારોના મતે વન-ડે અને ટી-20માં અલગ અલગ સુકાની હોય તે એકંદરે સમગ્ર ટીમ માટે યોગ્ય નહીં ગણાય. એકંદરે ટેસ્ટ ક્રિકેટ એક વર્ગ અને લિમિટેડ ઓવર્સ બીજો વર્ગ ગણવો એવા વલણના પગલે કોહલીને વન-ડેના સુકાનીપદેથી પણ હટાવવાનું નક્કી કરાયું હતું.