એક વર્ષ પહેલા ભારતની એજ્યુકેશન ટેકનોલોજી કંપની બાયજુના રવીન્દ્રનની નેટવર્થ ₹17,545 કરોડ ($2.1 બિલિયન) હતી અને વૈશ્વિક ધનિકોની યાદીમાં તેમનો સમાવેશ થતો હતો. જોકે તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ ફોર્બ્સ બિલિયોનેર ઈન્ડેક્સ 2024 મુજબ રવિન્દ્રનની નેટવર્થ ઘટી શૂન્ય થઈ ગઈ છે.
ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના પોસ્ટર ચાઇલ્ડ ગણાતા રવીન્દ્રનની પડતી ચાલુ થઈ છે, કારણ કે તેમની કંપની અનેક સમસ્યાનો સામનો કરી રહી છે. બાયજુના પતનનો ઉલ્લેખ કરતાં ફોર્બ્સે જણાવ્યું હતું કે ગયા વર્ષની યાદીમાં સામેલ હતાં તેવા માત્ર ચાર લોકોને જ આ વર્ષની યાદીમાં સ્થાન મળ્યું નથી. જેમાં ભૂતપૂર્વ એડટેક સ્ટાર બાયજુ રવીન્દ્રનનો સમાવેશ થાય છે. બાયજુ બહુવિધ કટોકટીમાં ઘેરાયેલી હતી અને બ્લેકરોકે તેનું મૂલ્યાંકન $1 બિલિયન કર્યું છે, જે 2022માં $22 બિલિયન હતું.
2011માં સ્થપાયેલ બાયજુ ઝડપથી ભારતની સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ કંપની બની હતી. રવિન્દ્રનના મગજની ઉપજએ ગણાતી આ કંપનીએ તેની નવીન લર્નિંગ એપ્લિકેશન સાથે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી હતી. તે પ્રાથમિક શાળાથી લઈને MBA સુધીના વિદ્યાર્થીઓને એજ્યુકેશન સર્વિસ પૂરી પાડે છે. જો કે, તાજેતરના નાણાકીય જાહેરાતો અને વધતા જતા વિવાદોથી કંપનીના નસીબને ભારે ફટકો પડ્યો છે. લાંબા વિલંબ પછી બાયજુએ માર્ચ 2022ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે તેના રિઝલ્ટ જાહેર કર્યા ત્યારે કંપનીની મુશ્કેલીઓ ખુલ્લી પડી ગઈ હતી, કંપનીએ $1 બિલિયનથી વધુની ચોખ્ખી ખોટ જાહેર થઈ હતી.