બદ્રીનાથ ધામના કપાટ મંગળવારે બ્રહ્મમુહૂર્તમાં પુષ્ય નક્ષત્ર અને વૃષ લગ્નમાં સવારે 4:15 કલાકે ખોલવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ફક્ત ધર્માધિકારી અને આચાર્ય બ્રાહ્મણોને જ મંદિરની અંદર જવાની મંજૂરી આપવામાં આવી હતી. મંદિરના કપાટ ખુલ્યા તે સાથે જ જય બદ્રીનાથના જયઘોષથી ધામ ગુંજી ઉઠ્યું હતું. બદ્ધીનાથ મંદિરની સાથે ધાર ધામ તરીકે જાણીતા તમામ ચાર મંદિરો ખૂલી ગયા છે.
ધામમાં પહેલી પૂજા અને મહાભિષેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન તરફથી વિશ્વ કલ્યાણ અને આરોગ્યતાની ભાવનાથી પૂજા-અર્ચના અને મહાભિષેક સમર્પિત કરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતે બદ્રીનાથ ધામના કપાટ ખુલવાના અવસર પર દેશ-વિદેશના શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી હતી. કોરોના મહામારીના કારણે ચારધામ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. આ સંજોગોમાં લોકો ઘરે રહીને જ પૂજા કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.