મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કોરોના સામેની લડાઇમાં મદદરૂપ થવા માટે નવી દિલ્હીમાં ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબ ખાતે શ્રી ગુરુ તેગબહાદુર કોવિડ કેર સેન્ટરને રૂ. 2 કરોડનું દાન કર્યું હતું, દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રેસિડન્ટ માનજિન્દર સિંઘ સિરસાએ ટ્વીટર પર આ અંગે માહિતી જાહેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બચ્ચનને રૂ.2 કરોડનું દાન કર્યું ત્યારે કહ્યું હતું કે શીખ લોકો લિજન્ડરી છે, તેમની સેવાને સલામ. દિલ્હીમાં ઓક્સિજનની અછત હતી, ત્યારે બચ્ચન આ સેન્ટરની સ્થિતિ અંગે દરરોજ પૂછપરછ કરતા હતા.
રવિવારે પ્રસારિત થયેલી વેક્સ લાઇનઃ કન્સર્ટ ટુ રિ-યુનાઇટ ધ વર્લ્ડ નામની ઇવેન્ટમાં બચ્ચને વૈશ્વિક સમુદાયને ભારતની મદદ કરવાની અપીલ કરી હતી. તેમણે વીડિયોમાં જણાવ્યું હતું કે મારો ભારત દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. ગ્લોબલ સિટીઝન તરીકે હું બાકીના ગ્લોબલ સિટીઝનને વિનંતી કરું છું કે, તમારી સરકારો, ફાર્માસ્યુટિકલ કંપની સાથે વાત કરો અને તેમને દાન આપો. જનતાની મદદ કરવી અત્યારે સૌથી મહત્ત્વનું છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું, વિનમ્રતાથી તમે આખી દુનિયાને ડગમગાવી શકો છો.