કેલિફોર્નિયાના ટુલારી કાઉન્ટીમાં સોમવારે બે બંદૂકધારીઓએ કરેલા ફાયરિંગમાં છ મહિનાના એક બાળક સહિત છ લોકોના મોત થયા હતા. આ હુમલાઓ લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કો વચ્ચે આવેલા આશરે 5,400 લોકોના ફાર્મ કમ્યુનિટી ગોશેનમાં થયો હતો સત્તાવાળાએ તેને ટાર્ગેટેડ એટેક ગણાવ્યો હતો. છ માસનું બાળક તેની 17 વર્ષની માતાના ખોળામાં હતું ત્યારે તેમના પર હુમલો થયો હતો. બંનેને માથામાં ગોળી વાગી હતી.
ટુલારી કાઉન્ટીના શેરિફ માઇક બૌડ્રેક્સે આ હત્યાકાંડને ગેરકાયદે ડ્રગના વેપાર સાથે જોડીને જણાવ્યું હતું કે ડેપ્યુટીઓએ ગયા અઠવાડિયે તે જ ઘરમાં ડ્રગ-સંબંધિત સર્ચ વોરંટ હાથ ધર્યું હતું.
હુમલામાં સંડોવાયેલી ટોળકી ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલી હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યુ હતું કે સોમવારે વહેલી સવારે 3:30 વાગ્યે કેલિફોર્નિયાના જોક્વિન વેલીમાં ટુલારી સાન શહેરમાં બે વ્યક્તિઓએ એક ઘર પર ગોળીબાર કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર સવારે પાડોશીઓએ ફોન કર્યો હતો અને હુમલાની ઘટનાની માહિતી આપી હતી. આ માહિતી મળતા જ પોલીસ 7 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે પોલીસ પહોંચી ત્યાં સુધીમાં આરોપીઓ ભાગી ગયા હતા અને લાશો પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમને છ મૃતદેહ મળ્યા છે. ઘટના ખૂબ જ ગંભીર છે. પોલીસને સ્થળ પરથી 6 મહિનાના બાળક અને તેની 17 વર્ષની માતાના મૃતદેહ પણ મળ્યા હતા.