ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયો શનિવારે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં સામેલ થતાં પશ્ચિમ બંગાળમાં ભાજપને ફટકો પડ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી અને પક્ષના સાંસદ ડેરેક ઓબ્રાયને સુપ્રિયોને ટીએમસીનું સભ્યપદ આપ્યું હતું. મોદી પ્રધાનમંડળના 48 દિવસ પહેલા થયેલા પુનર્ગઠન બાદ સુપ્રિયોએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.
ભાજપમાંથી રાજીનામાની જાહેરાત કરતાં બાબુલ સુપ્રિયોએ જણાવ્યું હતું કે , “હું બીજી કોઇ પાર્ટીમાં જઈ રહ્યો નથી. હું હંમેશા ભાજપનો સભ્ય રહ્યું છે અને રહીશ. પરંતુ થોડા દિવસ પછી તેમણે પોતાની પોસ્ટમાં ફેરફાર કર્યો હતો અને હંમેશા ભાજપમાં રહેવાની લાઇન દૂર કરી હતી.”
ટીએમસીમાં સામેલ થયા પછી બાબુલ સુપ્રિયોએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આજનો દિવસ મારા માટે ઘણો મોટો છે. મને જનતાની સેવા કરવાની તક મળી છે. આ બધુ છેલ્લાં ચાર દિવસમાં નક્કી થયું હતું. મમતા પર બંગાળની જનતાને વિશ્વાસ છે. હું કામ કરવા માટે ટીએમસીમાં જોડાયો છે. મને મારો નિર્ણય બદલવાનો ગર્વ છે.
ટીએમસીના કુણાલ ઘોષે સુપ્રિયોના આગમન અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભાજપના ઘણા નેતાઓ ટીએમસીના નેતાઓના સંપર્કમાં છે. તેઓ ભાજપમાં સંતુષ્ઠ નથી. એક નેતા બાબુલ સુપ્રિયો આજે સામેલ થયા છે, બીજા નેતા આવતીકાલે સામેલ થશે. આ પ્રક્રિયા ચાલુ રહેશે.
ભાજપની કેન્દ્ર સરકારે શનિવારે બાબુલ સુપ્રિયોના કેન્દ્રીય અર્ધસૈનિક કમાન્ડોના સશસ્ત્ર સુરક્ષા કવચ ઘટાડીને વાય કેટેગરી કર્યું હતું. સુપ્રિયોના સુરક્ષા કવચમાં ઘટાડા અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગે કેન્દ્રીય સુરક્ષા દળ અને ગુપ્તચર એજન્સીઓ ભલામણ કરી હતી.